તાપી જિલ્લામાં એક જિલ્લા સરકારી વકીલ(પબ્લિક પ્રોસિક્યુટર) તથા એક મદદનીશ સરકારી વકીલ (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર)ની યોજાનાર ભરતી અંતર્ગત નિયત લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે. જિલ્લા સરકારી વકીલની પેનલમાં સમાવિષ્ટ થવા માટે જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા ૧૦ વર્ષથી સક્રિય હોય, ૬૦ વર્ષથી વધુ ઉંમર ન હોય અને નિમણુંકના ઓછામાં ઓછા ૫ વર્ષ પુર્વેની મુદ્દત માટે આવકવેરા કરદાતા હોવું અનિવાર્ય છે. મદદનીશ સરકારી વકીલની પેનલમાં સમાવિષ્ટ થવા માટે જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા ૫ વર્ષથી સક્રિય અને નિમણુંકના ઓછામાં ઓછા ૧ વર્ષ પૂર્વેની મુદ્દત માટે આવકવેરા કરદાતા હોવા જરૂરી છે.
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ બ્લોક નં.ર, ક્લેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જિ.તાપીથી અરજી ફોર્મ તથા ડેકલેરેશન ફોર્મ મેળવી જરૂરી પુરાવા સાથે નિયત નમુનામાં અરજી ઉપરોક્ત કચેરીએ તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં (RPAD/સ્પીડ પોસ્ટ)થી મોકલી આપવી. જિલ્લા સરકારી વકીલ અને મદદનીશ સરકારી વકીલની જગ્યા માટે અરજી, ડેકલેરેશન, જન્મ તારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાત તથા જાતિ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ જોડવા. જિલ્લા સરકારી વકીલ માટે છેલ્લા ૫ વર્ષના અને મ.સરકારી વકીલ માટે ૧ વર્ષના આવકવેરા રિટર્નની નકલ બિડવી.
અધુરી વિગતવાળી અરજીઓ તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવાશે નહિં. વ્યારા તેમજ તાલુકા કક્ષાની કોર્ટોમાં ફરજ બજાવવા સંમત છો કે કેમ? તે અંગે અલગ વિકલ્પ પત્ર અરજી સાથે સામેલ રાખવું. અનુ.જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેની સંપુર્ણ વિગતો અરજીમાં જણાવી તથા જાતિ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અરજી સાથે સામેલ રાખવી. ઉમેદવારોની પસંદગી બાદ નિમણુંક પામનાર ઉમેદવારને નિયમોનુસાર ફી તેમજ અન્ય ભથ્થા મળવાપાત્ર થશે. ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવા જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારાની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500