નર્મદા જિલ્લામાં પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરમાં જેમના માથે આકાશની છત અને જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા અસહાય પરિવારોના સદસ્યોને ગતરોજ રાજપીપલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર પોતાનું જીવન ગુજારતા ૧૩૩ નિરાધાર લાભાર્થીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તેમજ શરીર તંદુરસ્ત રહે તે માટે વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધી, કૌશલભાઇ કાપડીયા, ઉરેશભાઇ પરીખ અને ગુંજનભાઇ મલાવિયા દ્વારા વુલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રીશિયન કિ્ટ્સનું વિતરણ કરીને આ પરિવારો પ્રત્યે સંવેદનાસભર આગવી પહેલ કરી છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, ગત ગુરુવારે રાજપીપલામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. તદ્દઉપરાંત મુખ્યમંત્રીએ અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર થયેલ CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલય અને જિલ્લા સેવા સદન ખાતે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું લોકાર્પણ પણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” બુથની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટના લાભાર્થીઓને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કિટ્સ તેમજ વિવિધ સરકારી સહાયના લાભો-મંજુરી પત્રોનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અમલીકરણ અધિકારીઓ, દાતાઓ તેમજ લાભાર્થીઓના વિભાગની મુલાકાત લઈ નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી કરનાર એનજીઓના સ્વયંસેવકો, પક્ષ કાર્યકરો, દાતાઓ અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારી/કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.
“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરી વિસ્તારના ૧૩૩ લાભાર્થીઓને પૌષ્ટીક આહાર માટે સીંગ-ચણા, ચીકી અને ખજૂર સહિતની પૌષ્ટીક ખાદ્ય સામગ્રીની ન્યુટ્રીશિયન કિ્ટ્સના વિતરણની સાથોસાથ વુલન સ્વેટર-મંકી ટોપી પુરા પાડીને જરૂરીયાત મંદ લાભાર્થીઓ પ્રત્યે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. વૈષ્ણવ વણિક સમાજના અગ્રણી કૌશલભાઇ કાપડીયાએ જણાવ્યું હતું કે, “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” દ્વારા જરૂરીયાતમંદ લોકોને તમામ પ્રકારની જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ આપી છે. તેની સાથોસાથ તેમને તૈયાર જમવાનું ભોજન જ્યાં હોય ત્યાં પહોંચાડવમાં આવી રહ્યું છે. જિલ્લાના ૧૩૩ લાભાર્થીઓને વુલનસ્વેટર-મંકી ટોપી પુરા પાડીને જિલ્લા પ્રશાસન દ્વારા એક આગવી અને પ્રેરક પહેલ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રાજપીપલાના ચુનારવાડ ફળીયાના રહીશ અને “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લાભાર્થી ખોડીબેન નગીનભાઇ ભૈયાએ જણાવ્યું હતું કે, હું બંન્ને પગે વિકલાંગ છું. મારે બે દિકરીઓ છે, તે બંન્ને અભ્યાસ કરે છે એટલે આર્થિક રીતે ઘણો ખર્ચ થતો હોય છે, પરંતુ “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” દ્વારા મને બસ પાસ સહિત જીવન જરૂરીયાતની ઘણી બધી ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી હોવાથી આર્થિક રીતે પણ મને ઘણો લાભ થયો હોવાની સાથે સ્વેટર, ટોપી અને પોષણ કિટ્સ પણ મારા પરિવારને પુરી પાડીને અમારી વહારે જિલ્લા પ્રશાસન આવ્યું હોવાથી અમે ખુબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500