મહારાષ્ટ્રમાં હાલ રાજકીય ઘમાસાણ મચી ગયું છે. શિવસેનાથી નારાજ એકનાથ શિંદે અને તેમના સપોર્ટવાળા વિધાયકો ગુજરાતના સુરત પહોંચ્યા હતા અને હવે ત્યાંથી મધરાતે રવાના થઈ વહેલી સવારે તેઓ ગુવાહાટી પહોંચી ગયા છે. એકનાથ શિંદે તરફથી એવો દાવો થઈ રહ્યો છે કે તેમની સાથે 40 વિધાયકો છે.જેમાં 34 શિવસેનાના અને 6 અપક્ષ અને અન્ય પક્ષના વિધાયકો છે. આ તમામ વિધાયકો ખાસ વિમાનથી ગુવાહાટી પહોંચ્યા છે.
એવું કહેવાય છે કે,ગુવાહાટીમાં આ વિધાયકોને રિસિવ કરવા માટે તેજપુરના ભાજપના સાંસદ પલ્લબ લોચન દાસ પહોંચ્યા હતા. પલ્લબ લોચન દાસ વિધાયકો પહોંચ્યા તેની થોડીવાર પહેલા જ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જો કે તેમણે મીડિયા સાથે વાતચીત કરી નહીં. તેઓ એરપોર્ટના વીઆઈપી એન્ટ્રન્સથી અંદર ગયા. કહેવાય છે કે રાજ્ય સરકાર તરફથી તેઓ વિધાયકોને રિસિવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે તેની હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.
મહારાષ્ટ્રના આ બળવાખોર વિધાયકોને રિસિવ કરવા માટે 3 બસ એરપોર્ટ પહોંચી. આ બસ આસામ ટ્રાન્સપોર્ટની હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય ટોચના અધિકારીઓ પણ તેમને રિસિવ કરવા માટે પહોંચ્યા હતા. વિધાયકો એરપોર્ટ પાસેની ફાઈવ સ્ટાર હોટલ રેડિસન બ્લ્યૂમાં રાકાયા છે. અત્રે જણાવવાનું કે અસમમાં પણ હાલ ભાજપની સરકાર છે. શિવસેનાના મંત્રી એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો પોકારીને કેટલાક વિધાયકો સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા હતા. કહેવાય છે કે અસમ ભાજપના ટોચના નેતાઓ અને રાજ્ય સરકાર, ગુવાહાટીમાં શિવેસનાના બળવાખોર ધારાસભ્યોના રહેવાની વ્યવસ્થા કરી રહી છે.
ગુવાહાટી રવાના થતા પહેલા એકનાથ શિંદેએ સુરતના એરપોર્ટ પર એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે બાળાસાહેબની શિવસેનાને છોડી નથી કે છોડીશું પણ નહીં. જો કે તેમણે ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકાર અંગે કશું કહ્યું નહીં. શિંદેએ જોકે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને આગે પણ એમ જ કરીશું. એકનાથ શિંદેનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અટકળો થઈ રહી હતી કે શિંદે અન્ય વિધાયકો સાથે મહાવિકાસ આઘાડી (MVA) સરકારને પાડવા માટે ભાજપમાં જોડાઈ શકે છે.(સાભર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500