વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) યોજના અંતર્ગત શાળાના બાળકોમાં એકતા અને અનુશાસનની ભાવના કેળવવાના ધ્યેયમંત્ર સાથે બે દિવસીય “સ્ટુડન્ટ પોલીસ કેમ્પ-SPC” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપલાની શ્રી નવદુર્ગા હાઈસ્કુલ, દેડીયાપાડાની સેંટ ઝેવિયર્સ હાઈસ્કુલ અને પ્રાથમિક શાળા નિવાલ્દા સહિત કુલ ૦૭ (સાત) શાળાના કુલ ૩૦૮થી વધુ બાળકો આ કેમ્પમાં સહભાગી થયા હતા. શિસ્ત સર્વોપરીની ભાવના કેળવવા સહિત કેમ્પમાં બાળકોને પર્યાવરણનું જતન અને મહત્વ, ટ્રાફિક અંગે જાગૃતત, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પ્રાથમિક સમજ, નેતૃત્વના ગુણો વિકસાવવા સહિત પોલીસ વિભાગની સમાજ પ્રત્યેની જવાબદારીઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોલીસની જવાબદારી અને કામગીરીને મહેસૂસ કરાવવા બાળકોને “ખાખી વર્દી”માં જ કસરત તથા પરેડ કરવવામાં આવી હતી. તદ્ઉપરાંત અનેકવિધ અવેરનેસ સેમિનારો થકી બાળકોમાં કાયદો, સુરક્ષા, ગુડ અને બેડ ટચની સમજ, લોકો પ્રત્યે સન્માનની ભાવના કેળવવા, બાળક સકારાત્મક અને ઉર્જાવાન બને તથા ભવિષ્યનો સારો નાગરિક બનીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવી શકે તેવા હેતુથી આ કેમ્પ યોજાયો હતો. બાળકોને માનસિક અને શારીરિક મજબૂત બનાવવા માટે શી ટીમ દ્વારા ખુબ જ સાધારણ ઉદાહરણો સાથે સમજણ પુરી પાડવામાં આવી હતી.
વધુમાં વન વિભાગના અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું. ડી.વાય.એસ.પી. પી.આર.પટેલ અને જી.એ.સરવૈયા સહિત થાણા અમલદારોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ કેમ્પ નર્મદા જિલ્લાને ભવિષ્યમાં એક સારા નાગરિકો પુરા પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગની કામગીરીની નોંધ લેવાઈ રહી છે. પોલીસ, પ્રજા સાથે મિત્રતાની ભાવના કેળવીને જિલ્લાને “ગુન્હા મુક્ત” બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે, પોલીસના પ્રયાસોને પ્રજાજનોનો આવકાર મળ્યો છે. વધુમાં પોલીસને ભવિષ્યમાં નાગરિકો તરફથી સહકાર મળી રહે અને સંકલન જળવાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામા આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500