પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અનુસાર ઉંચા ટકા વ્યાજ વસૂલવા છતાં મોટી રકમ બાકી બોલાવી ઉઘરાણી કરી ધમકી આપવા અંગે સિદ્ધપુરની મહિલા દ્વારા ચાર શખ્સો સામે અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરના બિંદુ સરોવર ત્રણ દરવાજા પાસે કુમાર શાળા નંબર 4 સામે રહીને છૂટક વેપાર કરતાં ચેનીબેન અગરાજી ઠાકોર દ્વારા આ ફરિયાદો નોંધાઇ છે.જેમાં સિદ્ધપુર તાલુકાના દેથળી ગામના અરવિંદભાઇ નથુભાઇ બારોટ પાસેથી સાડીઓનો વ્યાપાર કરવા રૂ.50,000 ઉછીના લીધા હતા અને તેનું બે ટકા વ્યાજ નક્કી કરાયું હતું પરંતુ તેના બદલે તેમણે 20% પ્રમાણે વ્યાજ ગણી રૂપિયા 2 લાખ વસૂલ કરેલ હોવા છતાં હજુ રૂ.અઢી લાખ લેવાના નીકળે છે તેમ કહીં ધમકી આપી મૂડી કરતાં વધુ વ્યાજ વસૂલતા તેમની સામે ફરિયાદ દાખલ કરી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના પટેલ ચેલાભાઇ શંકરભાઇ પાસેથી સાડીના ધંધા માટે બે ટકાના વ્યાજે રૂ. 50000 લીધા હતા જેમાં 20 ટકા વ્યાજ ગણી ટુકડે ટુકડે રૂ.3 લાખ વસૂલવા છતાં હજુ રૂ.5 લાખ બાકી કાઢીને ધમકી આપવામાં આવી રહી છે. આ જ રીતે સિદ્ધપુરના ખોડીયારપુરામાં રહેતા મધુબેન ઉદાજી ઠાકોર પાસેથી 2%ના વ્યાજે રૂ. 50 હજાર લીધા હતા તેમાં 10% વ્યાજ પ્રમાણે ટુકડે ટુકડે રૂ.દોઢ લાખ વસૂલ કર્યા હોવા છતાં હજુ રૂ.1.40 લાખ બાકી બોલાવ્યાની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે મહેસાણા ખાતે રામપુરા ચોકડી પાસે રહેતા રમેશભાઈ દેસાઇ પાસેથી બે ટકાના વ્યાજે રૂપિયા એક લાખ લીધા હતા જેમાં 20% વ્યાજ સાથે રૂ.2 લાખ વસૂલ કર્યા હોવા છતાં હજુ રૂપિયા 60,000 લેવાના નીકળે છે તેમ કહીં ઉઘરાણી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ચારેય ફરિયાદોમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.એ લીમ્બાચીયા તપાસ ચલાવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500