ઉત્તરપ્રદેશનાં ગોંડામાં એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતાં. ટ્રેન ઉભી રહેતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા.
જોકે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. રેલવે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તારીખ 17 જુનના રોજ એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું છે. આ પહેલા જૂન-2023માં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પર ઉભી રહેલી ગુડ્સ ટ્રેનને અથડાઈ ઘઈ હતી. આ ઘટનામાં લગબગ 300 લોકોનાં મોત થયા હતા. સરકારે દાવો કર્યો છે કે, 2004થી 2014 વચ્ચે વાર્ષિક સરેરાશ 171 ટ્રેન અકસ્માત થતા હતા, જ્યારે 2014થી 2023 વચ્ચે વાર્ષિક સરેરાશ 71 ટ્રેન અકસ્માત થયા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ટ્રેન અકસ્માતમાં ઘટાડો થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500