બારડોલી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. બારડોલી તાલુકામાં આવેલ કેદારેશ્વર મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું,આ નિમિત્તે મંદિર પરિસરમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મહાશિવરાત્રીના અવસર પર આજે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. બારડોલી નજીક મીંઢોળા નદીના તટે આવેલ કેદારેશ્વર મહાદેવમાં વહેલી સવારથી ભાવિક ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. મંદિર પટાંગણમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો હતો. મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. ત્રણ વર્ષ બાદ કોરોનાના નિયંત્રણો વગર મેળા સાથે મહાશિવરાત્રીનું પર્વ ધામધૂમથી ઉજવાયું હતું.
આ ઉપરાંત જલારામ મંદિરમાં અને ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત અંબિકાનિકેતન મંદિર, વાઘેચા ખાતે તાપી નદીના કિનારે આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભક્તોએ શિવલિંગ પર દૂધ,જળ,શેરડીના રસ અને બિલીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
આ ઉપરાંત બારડોલી નગરના જાગનાથ મહાદેવ મંદિર,રામેશ્વર મહાદેવ,મોતા ખાતે આવેલ વિવિધ મહાદેવના મંદિરો,સરભોણમાં મોરેશ્વર અને રામેશ્વર મહાદેવ મંદિર સહિત ગામડાઓમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં મોડીરાત્રે શિવલિંગ ઘીના કમળથી સજાવવામાં આવ્યા હતા. બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ હરિબાવા મંદિરમાં પણ પૂજા અર્ચના અને ધજા ચઢવવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500