કાપડ વેપારી પાસે ભાગીદારી પેઢીનો બંધ થયેલ જીએસટી નંબર ફરીથી ચાલુ કરાવી આપવાના બદલામાં રૂપિયા ૧ લાખની લાંચની માંગણી કરનાર નાયબ રાજય વેરા કમિશનર, વકીલ અને બે વચેડીયાઇને આજરોજ એસીબીઍ છટકું ગોઠવી ઝડપી પાડતા ભારે ચકચાર મચી છે.
એસીબીએ નરસિંહ પાંડોર, વકીલ અને બે વચેટીયાની ધરપકડ કરી, લાંચીયાઓએ પહેલા ૫૦ હજાર પડાવી લીધા હતા.
કેસની વિગત એવી છે કે અરજદાર દ્વારા તેની ભાગીદારી પેઢીનો વર્ષ ૨૦૧૫- ૨૦૧૬ના જી.એસ.ટી રિટર્ન ભર્યો ન હોવાથી જી.એસ.ટી વિભાગ દ્વારા જી.એસ.ટી નંબર બંધ કરી દીધો હતો. જેથી અરજદાર દ્વારા જી.એસ.ટી નંબર ચાલુ કરાવવા માટે નાનપુરા બહુમાળી બિલ્ડિંગ સી બ્લોકમાં આવેલ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા નાયબ રાજય વેરા કમિશનર નરસિંહ સરદાર પાંડોરનો સંપર્ક કરતા તેઓએ અરજદારને તેના ઓળખીતા વકીલ અને ટેક્ષ કન્સલટ્ન્ટનું કામ કરતા કિશોરચંદ્ર કાંતીલાલ પટેલને મળવાનું કહી ફાઈલ તૈયાર કરવા અને જીએસટી નંબર ચાલુ કરવાના બદલામાં રૂપિયા ૨ લાખની લાંચની માંગણી કરી હતી.
જેથી અરજદાર કિશોરચંદ્રને મળતા ફાઈલ તૈયાર કરી જીએટી વિભાગમાં સબમીટ કરાવી હતી અને રૂપિયા ૫૦ હજાર લીધા હતા. ત્યારબાદ અરજદાર નાયબ રાજય વેરા કમિશનર નરસિંહ પાંડોરને તેમની ઓફિસમાં મળી લાંચના બાકીના રકમના રૂપિયા ૧,૫૦,૦૦૦ માંથી ઓછુ કરવાની વાત કરતા છેલ્લે રૂપિયા ૧,૦૦,૦૦૦ આપવાનુ નક્કી થયું હતું અને તે રકમ કિશોરચંદ્રને બને તેટલા ઝડપથી જમા કરાવજો જેથી તેઓ જીએસટી નંબર ચાલુ કરી દેશે.
જોકે અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હતા અને આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા મદદનીશ નિયામક એસીબી સુરત એકમના એન.પી.ગોહિલના સુપર વિઝન હેઠળ પીઆઈ એ.કે.ચૌહાણ, એસ.એન.દેસાઈએ સ્ટાફના માણસો સાથે છટકાનું આયોજન કયું હતું અને આજરોજ અડાજણ એલ.પી.સવાણી રોડ ટી.જી.બી હોટલની સામે વુડ સ્કવેર ખાતે વકીલ કિશોરચંદ્ર પટેલ અને તેની ઓફિસમાં નોકરી કરતા વિનય હરીશ પટેલ તથા ધર્મેશ મનહરગીરી ગોસ્વામીને સ્વીકારી હતી અને લાંચની રકમ મળી ગઈ હોવાની નરસિંહ પાંડોર સાથે મોબાઈલ પર વાત કરાવી હતી.
એસીબીની ટીમે વકીલ અને તેના બે માણસોને ઝડપી પાડ્યા બાદ નાયબ રાજય વેરા કમિસનર નરસિંહ પાંડોરને લાંચના છટકાની તપાસના કામે એસીબીના ઓફિસમાં બોલાવી ડીટેઈન કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500