Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાયબ મામલતદાર બેંક લોન મુદ્દે જપ્તીની કાર્યવાહી બે માસ સુધી ટાળવા માટે રૂ.૧૫ હજારની લાંચ લેતા ઝડપાયો

  • June 08, 2023 

વડોદરાના નર્મદા ભવનમાં બીજા માળે આવેલી મામલતદાર પૂર્વની કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) કેતન શાહ બેંક લોન મુદ્દે જપ્તીની કાર્યવાહી બે માસ સુધી ટાળવા માટે રૂ.૧૫ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં.


લાંચ રુશ્વત વિરોધીશાખાના જણાવ્યા મુજબ વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતા એક શખ્સે વર્ષ-૨૦૧૬માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ.૧૬.૫૦ લાખની હોમ લોન લીધી હતી. આ લોનના હપ્તા લોકડાઉન દરમિયાન ભરી શકાયા ન હતાં જેથી સ્ટેટ બેંક દ્વારા જિલ્લા કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો  હતો. આ કેસ ચાલી જતાં કલેક્ટરે મામલતદાર પૂર્વને મકાનનો કબજો લઇ સીલ કરવાનો હુકમ કર્યો હતો.


કલેક્ટરના હુકમ બાદ મામલતદાર દ્વારા મકાનનો કબજો મેળવી એસબીઆઇ બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટિસ કાઢવામાં આવી હતી. આ નોટિસ મળતાંની સાથે જ લોન નહી ભરી શકનાર મામલતદાર પૂર્વ અને આ કચેરીના સર્કલ ઓફિસર કેતન હસમુખ શાહ (રહે.પરિચયપાર્ક સોસાયટી, વાઘોડિયારોડ)ને રૂબરૂ મળી નોટિસમાં જણાવ્યા મુજબની તારીખથી બે માસ માટેની મુદત વધારવા માટે અરજી આપી હતી પરંતુ મામલતદારે અરજી સ્વીકારી ન હતી.


મકાનનો કબજો તાત્કાલિક નહી લેવા માટે માલિક દ્વારા મામલતદાર અને સર્કલ ઓફિસરને વારંવાર વિનંતી અને આજીજી કરી હતી જેથી સર્કલ ઓફિસર આખરે મુદત વધારવાની અરજી સ્વીકારવા તૈયાર થયા હતા પરંતુ તે માટે રૃા.૨૫ હજારની લાંચની માંગણી કરી હતી. આ રકમ વધારે હોવાથી તેને ઓછી કરવા માટે રકઝક કરવામાં આવતાં આખરે લાંચની રકમ રૃા.૧૫ હજાર નક્કી થઇ હતી.



લાંચની રકમ આપવી નહી હોવાથી આ અંગે એસીબીમાં ફરિયાદ આપી હતી જેના પગલે મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ ભરૂચના પીઆઇ એસ.વી. વસાવાએ સ્ટાફ સાથે નર્મદા ભવનમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. નર્મદા ભવનના બીજા માળે સર્કલ ઓફિસની કેબિનમાં રૃા.૧૫ હજાર લાંચ આપ્યા બાદ સૂચિત ઇશારો થતાં જ એસીબીની ટીમે લાંચની રકમ સાથે કેતન શાહને રંગે હાથ ઝડપી પાડયા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application