ટેલીકોમ વિભાગે મુંબઈમાં વિવિધ સર્વિસ પ્રોવાઈડરો દ્વારા જારી કરાયેલા 30 હજારથી વધુ સિમ કાર્ડ્સ પૂરતી ચકાસણી પછી નિષ્ક્રિય કર્યા છે. એક જ ફોટા સાથે વિવિધ નામોના 62 ગ્રુપ ઓળખી કઢાયા હતા. ટેલીકોમ વિભાગે બોગસ સિમ કાર્ડ ઓળખી કાઢવા એએસટીઆર-પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ કાર્ડ બનાવટી દસ્તાવેજોનાં આધારે જારી કરાયા હતા. ટેલીકોમ વિભાગને આ રેકેટમાં સિમ કાર્ડ વિક્રેતાની મોટા પાયે સંડોવણી હોવાનો શક છે. બનાવટી મલ્ટીપલ સિમ કાર્ડ રેકેટના મુંબઈ પોલીસનાં પર્દાફાશ પછીની એક મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે ટેલીકોમ વિભાગે મુંબઈમાં આવા 30 હજારથી વધુ સિમ કાર્ડ નિષ્ક્રિય કરીને એક મોટું પગલું લીધું હતું.
ટેલીકોમ વિભાગનાં એક ટોચનાં અધિકારીએ ખાસ કરીને એક જ જૂથમાં વધુ પ્રમાણમાં સીમ વેંચ્યા હોય તેવા કિસ્સામાં મોબાઈલ સિમ વિક્રેતાઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટમાં એક વિશિષ્ટ કેસ ખાસ ટાંકવામાં આવ્યો હતો. જેમાં એક જ વ્યક્તિનાં ફોટા સામે 684 સીમ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. મુંબઈ ટેલીકોમ વિભાગનાં એડિશનલ ડાયરેક્ટર જનરલે સંચાર સાથી પોર્ટલ રજૂ કરતી વખતે આ કિસ્સાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ટેલીકોમ વિભાગ દ્વારા વિકસાવાયેલ અને અમલમાં મુકાયેલ સંચાર સારથી પોર્ટલનો હેતુ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરો દ્વારા પૂરા પડાયેલા સબસ્ક્રાઈબરનાં ફોટા અને ડાટાની સરખામણી કરીને સાયબર ક્રાઈમનો સામનો કરવાનો છે.
તેનાથી સબસ્કાયબરોના સમાન ફોટા સાથે વિવિધ નામો અને જૂથો ઓળખીને બોગસ અથવા બનાવટી જોડાણો ઓળખી શકાય છે. ટેલીકોમ વિભાગના અધિકારીએ કબૂલ કર્યું હતું કે, છેતરપિંડી કરનારાની કુશળતાનું સ્તર એટલું છે કે, તેમણે માનવીય ક્ષમતાથી છૂટાછવાયા કેસમાં ન ઓળખી શકાય તેવા બનાવટી ઓળખ પત્રો અને સરનામાના દસ્તાવેજો બનાવ્યા છે. મુંબઈમાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા 6 એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે જેમાં મલબાર હિલ, વી.પી. માર્ગ, ડી.બી. માર્ગ, ડી.એન.નગર, સહાર અને બાંગુરનગર પોલીસ સ્ટેશન સામેલ છે. ટેલીકોમ વિભાગે આવા બનાવટી સિમ કાર્ડ ખોળી કાઢવા એએસટીઆર પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આવા સિમ કાર્ડ સાયબર છેતરપિંડી, નાણાંકીય અપરાધ અને રાષ્ટ્ર-વિરોધી ગતિવિધિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500