દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક વખત હાઈકોર્ટમાંથી મોટો ફટકો પડયો છે. કથિત દારૂ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાના રાઉઝ એવન્યુ કોર્ટના ચૂકાદાને પલટી નાંખતા દિલ્હી હાઈકોર્ટે જામીન રદ કરી નાંખ્યા છે. હાઈકોર્ટના ન્યાયાધીશ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે કહ્યું કે, નીચલી કોર્ટની વેકેશન બેન્ચે કેસની સુનાવણીમાં પોતાના વિવેકનો ઉપયોગ કર્યો નથી. જોકે, હવે આપ હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ બુધવારે સુપ્રીમ કોર્ટમાં જશે. દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે, બંને પક્ષોની દલીલો પર વિચાર કરવામાં આવ્યો છે.
તેની સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પર વિચાર કરાયો નથી તેવી ટ્રાયલ કોર્ટની ટીપ્પણી યોગ્ય નથી. તેમને પર્યાપ્ત સમય અપાયો નથી તેવી ઈડીની દલીલ અંગે હાઈકોર્ટે જણાવ્યું કે, આ બાબતે યોગ્ય વિચાર કરવાની જરૂર છે. વેકેશન બેન્ચના ન્યાયાધીશ (ટ્રાયલ કોર્ટ) દ્વારા પીએમએલએની કલમ 45ની જોડકી શરતો પર વિચાર કરવામાં આવ્યો નથી. વેકેશન બેન્ચે સત્યેન્દ્ર કુમાર એન્ટીલના ચૂકાદા પર વિચાર કર્યો નથી. આજે સુનાવણીમાં હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે એવો કોઈ નિષ્કર્ષ આપવો જોઈએ નહીં, જે હાઈકોર્ટના નિષ્કર્ષથી વિપરિત હોય. વચગાળાના જામીન માત્ર ચૂંટણી માટે વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે અપાયા હતા.
હાઈકોર્ટે કહ્યું કે, એક વખત ધરપકડને પડકારતી તેમની અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે, તેથી એમ કહી શકાય નહીં કે કાયદાનો ભંગ કરીને તેમની વ્યક્તિગત સ્વતંત્રતામાં કાપ મૂકાયો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એએસજી રાજુએ મુદ્દો ઉઠાવ્યો હતો કે નીચલી કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે આ દસ્તાવેજ વાંચવા શક્ય નથી. આ અંગે હાઈકોર્ટે કહ્યું કે, આપ્રકારની ટીપ્પણી એકદમ અયોગ્ય હતી અને તે દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું નથી.
હાઈકોર્ટનું માનવું છે કે, ટ્રાયલ કોર્ટે જામીન આપવામાં મગજ વાપર્યું નથી અને દસ્તાવેજો પર વિચાર કર્યો નથી. હાઈકોર્ટના આજના ચૂકાદા અંગે આપે કહ્યું કે, તેઓ હાઈકોર્ટના નિર્ણયથી અસહમત છે. આ આદેશને તેઓ બુધવારે સુપ્રીમ કોર્ટમાં પડકરાશે. જામીનના આદેશને આ રીતે રોકી શકાય નહીં. ગતરોજ સુપ્રીમ કોર્ટે પણ આ સ્વીકાર્યું હતું. ટ્રાયલ કોર્ટે 20 જૂને રૂપિયા 1 લાખના વ્યક્તિગત બોન્ડ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્ત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500