Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં રૂ.૧૩૯ કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ અને વ્યક્તિગત સહાય અર્પણ

  • November 18, 2021 

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'આઝાદીનો અમૃત્ત મહોત્સવ' અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ દ્વારા તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા' યોજાઈ રહી છે, જેના ભાગરૂપે રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગુણસવેલ ગામેથી 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'ને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે સુરત જિલ્લાના વિવિધ ગામોમાં કુલ રૂ.૧૩૯ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ઈ-તકતીઓનું અનાવરણ અને યોજનાકીય સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૩.૪૭ કરોડના ૪૧૬૯ વિકાસ કામો તેમજ પી.એમ.જન આરોગ્ય યોજના-આયુષ્માન કાર્ડ, બાલ અને માતૃશક્તિ કિટ્સ, છત્રી, શેડ કવર, કૃત્રિમ બીજદાન વાછરડી સહાય, સખી મંડળ-સ્વસહાય જૂથ સહિતની યોજનાના લાભાર્થીઓને રૂ.૫.૬૫ કરોડના વ્યક્તિગત લાભોનું વિતરણ કરાયું હતું. મંત્રીશ્રીએ રૂ.૭ લાખના ખર્ચે નવનિર્મિત ગુણસવેલ-૧ આંગણવાડી કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. આ આંગણવાડીની મુલાકાત લઈ તેમણે અહીં વૃક્ષારોપણ કર્યું હતું. 


આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસોથી પ્રાથમિક સુખસુવિધાઓ તમામ ગામડાઓમાં પહોંચી છે. ગ્રામજનોને પણ વિકાસના ફળો સમાન રીતે ઉપલબ્ધ થાય એ માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાથી ગામડાઓને વિકાસકાર્યોનો લાભ પણ મળશે અને આત્મનિર્ભર બનવાની પ્રેરણા પણ મળશે.










વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં વિકાસયાત્રા વેગવાન બની છે, જેનો લાભ દેશના કરોડો લોકોને મળી રહ્યો છે એમ જણાવી મંત્રીશ્રીએ વનબંધુ કલ્યાણ યોજના, જનધન યોજના, મા અમૃત્તમ, વાત્સલ્ય યોજના, આયુષ્માન ભારત જેવી લોકપ્રિય અને યશસ્વી યોજનાઓનો ઉલ્લેખ કરી જનહિતની યોજનાઓનો લાભ મેળવવા ઉપસ્થિત સૌ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.









તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી સૂઝબુઝ અને પ્રભાવી નેતૃત્વના કારણે રાજ્યમાં અઢળક વિકાસકામોની ભેટ મળી હોવાનું જણાવી આવનારા દિવસોમાં વિકાસયાત્રા વધુ તેજ ગતિમાં આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, આજરોજ સુરત જિલ્લા પંચાયતના માંગરોળ તાલુકાના પીપોદરા, કોસંબા, માંગરોળ, નાની નરોલી સીટોના પીપોદરા, કોસંબા, સીમોદરા, વાંકલ ગામોમાં રથ ફર્યો હતો. તેમજ મહુવા તાલુકામાં અનાવલ, વલવાડા, કરચેલીયા અને મહુવા સીટો હેઠળના ઉમરા, ગુણસવેલ, કરચેલીયા અને મહુવા ખાતે તેમજ કામરેજ તાલુકાના ઉંભેળ, નવાગામ, કામરેજ અને ચલથાણ સીટોના વિહાણ, ટીંબા, શામપુરા અને નવી પારડી ગામોમાં રથોએ પરિભ્રમણ કર્યું હતું. આ ત્રિદિવસીય યાત્રા અંતર્ગત સુરત જિલ્લા પંચાયતની ૩૬ સીટ વિસ્તારમાં જનજાગૃતિ માટે ૩ વિકાસ રથ પરિભ્રમણ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application