ભારત સરકારે બોલીવુડનાં પીઢ અભિનેત્રી અને નિર્માતા આશા પારેખને 2020નું રાષ્ટ્રીય દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સન્માન એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે દિલ્હીમાં આ જાહેરાત કરી હતી. જેમાં આશા પારેખ બોલીવુડનાં સુવર્ણયુગ ગણાતા બ્લેક એન્ડ વાઈટ યુગથી માંડીને રંગીન ફિલ્મો સુધીના આધુનિક યુગના સાક્ષી રહ્યા છે. તેમની જાણીતી ફિલ્મોમાં કટી પતંગ, કારવા, તથા તીસરી મંજિલ સહિતની અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.
તેમણે તેમના જમાનાનાં તમામ ટોચનાં સ્ટાર અને બેનર સાથે કામ કર્યું હતું અને બોલીવુડની એક ટોચની અભિનેત્રી તરીકે સ્થાન મેળવ્યું હતું. એ સમયની સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તેમજ 1990માં તેમણે દુરદર્શન માટે કોરા કાગજ સીરીયલનું પણ નિર્માણ કર્યું હતું.
હિન્દી ફિલ્મોના ગુજરાતી અભિનેત્રી તરીકે આશા પારેખને મળેલા આ સન્માનથી સમગ્ર ગુજરાતનાં અને દેશ-વિદેશનાં તેમના ચાહકોમાં આનંદ ફેલાયો છે. આ સમાચાર પ્રસરતા જ તેમને બોલીવુડમાંથી અભિનંદનનો નો સીલસીલો શરૂ થઈ ગયો હતો. આશા પારેખને 66મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળશે.
આ પુરસ્કાર મેળવનાર તેઓ સાતમા મહિલા કલાકાર છે. આ પહેલા 1969માં દેવિકા રાણી, 1973 માં સુલોચના, 1976માં કાનનદેવી, 1983માં દુર્ગાખોટે, 1989માં લતા મંગેશકર અને સન 2000માં આશા ભોંસલેને આ પુરસ્કાર મળ્યો હતો. આમ 20 વર્ષ પછી કોઈ મહિલા કલાકારને આ સન્માન પ્રાપ્ત થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500