વિવિધ ગેરરીતિઓ અને અસુવિધાઓ તેમજ બિલ્ડીંગ સહિતના વિવિધ કારણોને લીધે સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ કચેરીના તપાસ રિપોર્ટના આધારે ચાર સ્કૂલોની માન્યતા રદ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં બે સ્કૂલો હાટકેશ્વરની છે અને બે સ્કૂલો ગેરતપુરની છે. આ ચારેય સ્કૂલો ખાનગી અને પ્રાયમરીની છે. અમદાવાદને ગેરતપુર રેલ્વે ક્રોસિંગ નજીક આવેલી નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બે ખાનગી પ્રાયમરી સ્કૂલોની માન્યતા રદ કરવામા આવી છે. આ સ્કૂલો સામે થયેલી ફરિયાદ બાદ અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા અધિકારીઓને રૂબરૂ મોકલીને તપાસ કરવામા આવી હતી અને ત્યારબાદ તારીખ 23 ઓક્ટોબરે રૂબરૂ સુનાવણી કરવામાં આવી હતી જેમાં મેનેજમન્ટ તરફથી હાજર ન રહેતા તારીખ 8 નવેમ્બરે ફરીથી સુનાવણી રખાઈ હતી.
તપાસના તારણો અને સુનાવણીના નિવેદન બાદ ફાઈનલ રિપોર્ટ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગને મોકલાયો હતો. અમદાવાદ શહેર ડીઈઓના જણાવ્યા મુજબ આ ટ્રસ્ટની સ્કૂલ અગાઉ બીજા સ્થળે હતી અને જે શહેર ડીઈઓ કચેરીમાં સ્થળ ફેરફારની તપાસ ફાઈલ ચાલતી હતી. જેથી આ ફરિયાદની તપાસ પણ અહીંયાથી જ કરાઈ હતી. તપાસ બાદ ધ્યાને આવ્યું હતુ કે નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નૂતન હિન્દી વિદ્યાલય, શ્રદ્ધા ઈન્ટરનેશનલ સ્કૂલ (ધોરણ 1થી5 અંગ્રેજી માધ્યમ) અને ભગવતી ગુજરાતી બાલ મંદિર તથા પ્રાથમિક સ્કૂલ (ગુજરાત માધ્યમ ધો.1થી8) એક જ સ્થળે એક બિલ્ડીંગમાં ચલાવવામા આવે છે.
મંજૂરી સમયના નકશા મુજબ 6 રૂમ મંજૂર હતા અને જેમાં આ ત્રણ સ્કૂલો કાર્યરત છે પરંતુ સ્કૂલ મેનેજેન્ટના લેખિત નિવેદન મુજબ સ્કૂલમાં 11 વર્ગખંડો છે. જેમાંથી હાલ પાંચનું બાંધકામ ચાલી રહ્યું છે. જેથી જરૂરીયાત મુજબના વર્ગખંડો ઉપલબ્ધ ન હોવાથી અને મંજૂર સમયે એફિડેવિટમાં ખોટી વિગતો જાહેર કરી ખોટું સોગંધનામુ રજૂ કરી માન્યતા મેળવેલ હોવાનું સાબીત થયું છે ઉપરાંત જિલ્લા તપાસ અહેવાલ મુજબ ભગવતી બાલમંદિર અને પ્રાથમિક શાળાના નામ ફેરફાર અંગે મંજૂરી કે નામંજૂરી અંગે કોઈ પણ આદેશ શાળાને મળેલ નથી તેમ છતાં શ્રદ્ધા બાલવર્ગ અને ગુજરાતી પ્રા.સ્કૂલના નામે શાળા ચલાવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500