મ્યાનમારમાં શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સેંકડો ઈમારતોના કાટમાળમાંથી વધુ ને વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેને પગલે દક્ષિણ-પૂર્વ એશિયન દેશમાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1700ને પાર થઈ ગયો છે જ્યારે 3500થી વધુ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. મ્યાનમારના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયા પર બચાવ અભિયાન પણ શરૂ કરાયું છે. ગઈકાલના ભૂકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે શનિવારે પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 નોંધાઈ હતી. મ્યાનમારમાં છેલ્લા બે દિવસમાં 16 વખત ધરતી ધૂ્રજી ઉઠી છે. મીડિયા અહેવાલોથી વિપરિત દુનિયાના સૌથી ગરીબ દેશોમાંના એક મ્યાનમારની લશ્કરી સરકારે શનિવારે કહ્યું કે, ભૂંકપમાં 1002 લોકોનાં મોત થયા છે અને અન્ય 2370 લોકોને ઈજા પહોંચી છે.
જ્યારે 30 લોકો લાપતા છે. નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે, હજુ અનેક જગ્યાએથી વિગતો આવવાની બાકી હોવાથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. બર્મા તરીકે ઓળખાતું મ્યાનમાર લાંબા સમયથી ગૃહયુદ્ધમાં સપડાયું છે ત્યારે ભૂકંપ પીડિતો સુધી માનવીય સહાય પહોંચાડવી પણ મુશ્કેલ બની ગઈ છે. મ્યાનમારમાં શનિવારે પણ 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર રાજધાની નેપીડો નજીક હોવાનું કહેવાયું હતું. આ સિવાય અનેક આફ્ટર શોક્સ પણ આવ્યા હતા, જેમાં એકની તીવ્રતા 4.2 હતી. મ્યાનમારની લશ્કરી સરકારે કહ્યું કે, દેશની બ્લડ બેન્કો ખાલી થઈ ગઈ છે. તેમને મોટાપાયે લોહીની જરૂર છે. દેશમાં અગાઉની સરકારો વિદેશી સહાય મેળવવામાં ધીમી હતી, પરંતુ વડાપ્રધાન મિન ઔંગે કહ્યું કે, તેઓ વિદેશમાંથી આવતી સહાય સ્વીકારવા તૈયાર છે.
યુરેશિયન અને ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટો વચ્ચે ઘર્ષણના કારણે મ્યાનમારમાં ભૂકંપનું જોખમ ખૂબ જ રહે છે. આંતરરાષ્ટ્રીય ભૂકંપીય કેન્દ્ર તરફથી જણાવાયેલા ભૂકંપના માપદંડો મુજબ વર્ષ 1990 થી 2019 સુધીમાં પ્રત્યેક વર્ષે મ્યાનમાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં 3.0થી વધુ અથવા તેના જેટલી ભૂકંપની ૧૪૦ ઘટનાઓ નોંધાઈ હતી. આ બાબત દર્શાવે છે કે મ્યાનમાર મધ્યમ અને ઊંચી તીવ્રતાના ભૂકંપોના જોખમ પ્રત્યે સંવેદનશીલ છે, જેમાં તેના લાંબા દરિયાકિનારા સાથે સુનામીના જોખમનો પણ સમાવેશ થાય છે. મ્યાનમારના માંડલે શહેર નજીક સાગાઈંગમાં આવેલા ભૂકંપથી થાઈલેન્ડના બેંગકોક સિટીમાં પણ ગંભીર અસર થઈ હતી. બંને દેશોમાં અનેક બહુમાળી ઈમારતો તૂટી પડી છે. આ ઈમારતોના કાટમાળમાં જીવીત લોકોને શોધવાના પ્રયત્નો ચાલુ છે.
મ્યાનમારની રાજધાની નેપીડોમાં શનિવારે સરકારી કર્મચારીઓએ રસ્તાઓનું સમારકામ, વીજપુરવઠો, ફોન અને ઈન્ટરનેટ સેવાઓ પુન: શરૂ કરવાનું કામ શરૂ કર્યું છે. ભૂકંપના કારણે નેપીડોમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કંટ્રોલ ટાવર તૂટી પડયું હતું. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ બચાવ કર્મચારીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ બેંગકોકમાં ૧૦ લોકોનાં મોત થઈ ગયા છે, પરંતુ ઈમારતો તૂટી પડતાં તેના કાટમાળ નીચે 100થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. તેમને બચાવવા માટે કામગીરી ચાલુ છે. ભૂકંપના બીજા દિવસે આ ઘટનાના નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તેમ તેની ભયાનક્તા વધુ ઉજાગર થઈ રહી છે. થાઈલેન્ડમાં ઓથોરિટીએ કહ્યું કે, ભૂકંપના આંચકા અને આફ્ટર શોક્સ આખા દેશમાં અનુભવાયા હતા. ઉત્તર થાઈલેન્ડના અનેક સ્થળો પર રહેણાંક ઈમારતો, હોસ્પિટલો અને મંદિરોમાં થયેલા નુકસાનની હજુ માહિતી એકત્ર કરાઈ રહી છે. જોકે, જાનહાની માત્ર બેંગકોકમાં થઈ હોવાનું મનાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500