આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 2200ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે તેમાં 1400થી વધુ લોકોની સ્થિતિ ગંભીર છે માટે મૃત્યુઆંક વધી શકે છે તેમ સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું. 6.8ની તિવ્રતાના ભૂકંપને કારણે મોરોક્કોમાં હજારો મકાનો ધરાશાયી થયા છે જેથી અનેક લોકો વિસ્થાપિત થઇ ગયા છે. ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. 3 હજારની વસતી ધરાવતા એક ગામના બધા જ મકાનો ધારાશાયી, ઇઝરાયેલ-અમેરિકા મદદ માટે આગળ આવ્યા હતા. મોરોક્કો સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
જોકે રેડ ક્રોસે ચેતવણી આપી છે કે મોરોક્કોમાં સ્થિતિ થાળે પડવામાં વર્ષો લાગી શકે છે. શુક્રવારે પર્યટન શહેર મેર્રાકેશથી 72 કિમી દૂર પહાડી વિસ્તારમાં 6.8ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે બાદ પણ અનેક આંચકા અનુભવાયા હતા. જ્યારે લોકો સઇ રહ્યા હતા ત્યારે જ ભૂકંપના આંચકા આવ્યા હતા, જેને પગલે જાનહાની વધુ થઇ છે. જે 2060 જેટલા લોકો ઘવાયા છે તેમાંથી 1404ની સ્થિતિ ગંભીર છે અને હાલ મોરોક્કોની હોસ્પિટલોમાં અફડા તફડીનો માહોલ છે.
અહીં 3 હજાર જેટલી વસતી ધરાવતા એક ગામના બધા જ મકાનો ધરાશાયી થઇ ગયા છે. મોરોક્કોમાં સૌથી વધુ જાનહાની અલ હાઓઝ પ્રાંતમાં જોવા મળી છે જ્યાં 1300થી વધુ લોકો માર્યા ગયા છે. બીજી તરફ વિશ્વના દેશો મોરોક્કોને મદદ માટે આગળ આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા જાહેરાત કરાઇ છે કે તે મોરોક્કોને બનતી બધા જ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી દરેક પ્રકારની મદદની ખાતરી આપી હતી.
જ્યારે ડોક્ટર્સ વિદાઉટ બોર્ડર એમએસએફ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ મોરોક્કોમાં પીડિતોને મદદ કરવા માટે જઇ રહ્યા છે. એમએસએફ-યુએસએના ડાયરેક્ટર એવરીલ બેનોઇટે જણાવ્યું હતું કે જે લોકો અંતરિયાળ વિસ્તારોમાં ફસાયા છે અને ઘવાયા છે તેમને પ્રાથમિક્તા આપવામાં આવશે. જે લોકો ઘવાયા છે તેમને સર્જરી અને ડાયાલિસિસ વગેરેની વધુ જરૂર પડશે જે અમારા માટે મોટો પડકાર બની શકે છે કેમ કે સ્થાનિક સ્તરે ભૂકંપને કારણે મોટુ નુકસાન થયું છે અને સ્વાસ્થ્ય સિસ્ટમ પણ તુટી ગઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500