સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાની દંપતીનાં લગ્નનાં 10 વર્ષે મળેલું ત્રણ-ત્રણ બાળકોનું સુખ પળભરમાં છીનવાઈ ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. લગ્નનાં એક દાયકા બાદ જન્મેલા ત્રણેય બાળકોનાં મોત થવાથી માતા અને પિતા પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનનાં ઢોલપુરનો વતની રામવીર ગોસ્વામી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે રામવીર અને કુસમાબેનનાં લગ્ન જીવનને 10 વર્ષ જેટલો સમય થયા પછી પણ સંતાન નહોતું.
તેમણે 6 મહિના પહેલાં IVF સારવાર દ્વારા માતા-પિતા બનવાનો નિર્ણય લીધો હતો અને કાપોદ્રાની હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. જેમાં કુસમબેનને માતા બનવાની આશ જાગી હતી. કુસમાબેનને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો. રામવીર ગોસ્વામીએ મીડિયાને કહ્યું હતું કે, બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ ગત મંગળવારે કુસમાબેનને રૂટિન ચેકઅપ માટે લઈ જતાં ડોક્ટરે તેમને પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થયો હોવાનું કહી દાખલ કરી લીધા હતા.
ત્યારબાદ ગતરોજ તેમણે એક પછી એક ત્રણ બાળકને જન્મ આપ્યો હતો. જયારે અધૂરા માસે જન્મેલાં ત્રણેય બાળકો પૈકી એક હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યું હતું. જ્યારે અન્ય બાળક બચવાની આશા દેખાતાં તેને તાબડતોબ 108 એમ્બ્યુલસમાં સારવાર માટે સિવિલમાં ખસેડાયું હતું. પરંતુ સિવિલમાં પહોંચ્યા એ પહેલાં તે પણ મૃત્યુ પામ્યું હતું. બાળકનાં મોત થતાં મામલો કાપોદ્રા પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોસ્ટમોર્ટમની વાત આવી હતી. જોકે પોલીસે જરૂરી કાર્યવાહી કરી નવજાત બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર પરિવારને સોંપી માનવતા દાખવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500