મુંબઈનાં બોરીવલી સંજય ગાંધી નેશનલ પાર્કમાં રવિવારે જેસ્પા (ઉ.વ.11) વર્ષની સિંહનું મોત થયું હતું. જેસ્પાનો જન્મ 22 સપ્ટેમ્બર 2011નાં રોજ સંજય ગાંધી નેશનલ પાર્કમાં જ થયો હતો. તેણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલવાનું બંધ કરી દીધું હતું. નેશનલ પાર્કમાં મુંબઈનો એક પણ સિંહ રહ્યો નથી. હવે માત્ર ગુજરાતથી લાવેલા સિંહની જોડી છે. બે દિવસ પહેલા ગુજરાતમાંથી સિંહોની જોડી પાર્કમાં આવી હતી. ત્યારે રવિવારે પાર્કમાં રહેલા સિંહે અંતિમ શ્વાસ લીધા હતા.
રવીન્દ્ર નામના સત્તર વર્ષના સિંહનું એક મહિના પહેલા પાર્કમાં મોત થયું હતું. જેસ્પા અને રવીન્દ્રને પ્રવાસીઓ દ્વારા સફારીમાં જોવાથી પહેલાથી જ રોકી દેવામાં આવ્યા હતા. જયારે જેસ્પાનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું. જેસ્પા પાર્કની પ્રખ્યાત સિંહણ શોભાનો પુત્ર હતો. જેસ્પાને બે બહેનો હતી, ગોપા અને છોટી શોભા. તેમાંથી નાની શોભાનું અવસાન નાની વયે થયું હતું. સિંહણ ગોપાનું પણ થોડા વર્ષો પહેલા મૃત્યુ થયું હતું. રવીન્દ્ર નામનો વૃદ્ધ સિંહ સંધિવાથી પીડાતો હતો. રવિન્દ્ર કેટલાય મહિનાઓથી આ પાર્કમાં પાંજરામાં પડેલો હતો.
જોકે રવિન્દ્રના મૃત્યુ પછી, જેસ્પાએ વેટરનરી અધિકારીઓને પણ સંધિવાના લક્ષણો દર્શાવ્યા હતા. 9 નવેમ્બરનાં રોજ, જ્યારે વેટરનરી અધિકારીઓની ટીમે જેસ્પાની શારીરિક તપાસ કરી ત્યારે તેને પણ સંધિવા હોવાનું નિદાન થયું હતું. સ્નાયુઓ પણ નબળા પડતાં જેસ્પાની શારીરિક હિલચાલ સાવ ધીમી પડી ગઈ. તે પથરીના ચાંદાથી પણ પીડાતો હતો. 25 નવેમ્બરનાં રોજ ગુજરાતમાંથી લાવવામાં આવેલા 3 વર્ષના સિંહ અને સિંહણ ડી 11 અને ડી 22 પાર્કમાં આવ્યા હતા. હવે સફારી ફરી શરૂ થયા બાદ આ બે સિંહની જોડી જ પ્રવાસીઓ જોઈ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500