Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્કટિક તરફથી આવતા જીવલેણ ઠંડા પવનોના કારણે 80 ટકા અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચે, બ્રિટનમાં પણ બરફના તોફાને ભારે કેર મચાવ્યો

  • January 17, 2024 

આર્કટિક બ્લાસ્ટના બરફના તોફાનોએ અમેરિકાથી લઈને બ્રિટન સુધીના વિસ્તારને જકડી લીધા છે. 530 માઈલ એટલે કે, અંદાજે 854 કિ.મી.ના 'સ્નો બોમ્બ'ની અસર લગભગ એક સપ્તાહ સુધી રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે. આર્કટિક તરફથી આવતા જીવલેણ ઠંડા પવનોના કારણે 80 ટકા અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે, જેથી દક્ષિણથી ઊત્તર-પૂર્વમાં 14 કરોડ લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. બરફના તોફાનના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 3,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. બીજીબાજુ બ્રિટનમાં પણ બરફના તોફાને ભારે કેર મચાવ્યો છે. અમેરિકામાં ખરાબ હવામાનના કારણે વીજપૂરવઠો ખોરવાઈ જતા એક લાખથી વધુ ઘરો-ઓફિસોમાં લોકોએ વીજળી વિના રહેવું પડયું છે.


દક્ષિણથી ઉત્તર-પૂર્વ સુધીના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ સાથે ઠંડા પવન ફુંકાતા 14 કરોડથી વધુ લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ઠંડીના કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. સરકારે લોકોને જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળવા ચેતવણી આપી છે. ન્યૂયોર્ક શહેરમાં બે વર્ષ પછી સોમવારે રાતે હીમવર્ષા પડી હતી અને મંગળવારનો દિવસ વધુ ઠંડો બન્યો છે, જેને પગલે વધુ ફ્લાઈટ્સ રદ થવાનું અને વીજપુરવઠો સતત ખોરાવાયેલો રહેવાનું જોખમ સર્જાયું છે. અમેરિકામાં રાતોરાત તાપમાન શૂન્યથી નીચે જતું રહેતા આખા દેશમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. નેશનલ વેધર સર્વિસે એક સપ્તાહ સુધી આર્કટિક એરના ઠંડા પવનોની ચેતવણી આપી છે.


ન્યૂયોર્કના હેમ્બર્ગ ખાતે લેકશોર રેસ્ટોરાં બરફમાં થીજી ગઈ છે અને તે જાણે બરફનો કિલ્લો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ન્યૂયોર્કના લા ગાર્ડિઆ એરપોર્ટ પર મંગળવારે સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ છે. અહીં 14 ટકાથી વધુ ફ્લાઈટ રદ કરવી પડી છે જ્યારે 57 ટકાથી વધુ વિલંબમાં મુકાઈ છે. અમેરિકામાં અંદાજે કુલ 3,000 જેટલી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને 1100થી વધુ વિલંબમાં મુકાઈ છે. અત્યંત ખરાબ હવામાનના કારણે મોટાભાગના અમેરિકામાં તાપમાન વિક્રમી સ્તરે નીચું રહ્યું હતું. ઠંડા પવનના કારણે દક્ષિણમાં તાપમાન માઈનસ 30થી માઈનસ 50 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, હજુ આગામી સપ્તાહ અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચું રહેવાની શક્યતા છે.


અનેક સ્થળો પર 1.4 ઈંચથી 4 ઈંચ સુધીના બરફના થર જામ્યા છે. મેરીલેન્ડના રાષ્ટ્રીય હવામાન સેવાના હવામાન વિજ્ઞાની જેક ટેલરે કહ્યું કે, ઉત્તરીય અને પૂર્વોત્તર મોન્ટાનામાં તાપમાન અનુક્રમે માઈનસ 6.7 ડિગ્રી અને માઈનસ 40 ડિગ્રી સે. નોંધાયું હતું. વોશિંગ્ટનમાં પણ ભારે હિમવર્ષાની ચેતવણી અપાઈ છે. બરફના તોફાનના કારણે લોકોને ઘરોમાંથી બહાર નહીં નિકળવાની સલાહ અપાઈ છે. ખરાબ હવામાનના કારણે શિકાગો, પોર્ટલેન્ડ, ડેનવર, ડલાસ જેવા શહેરોમાં સ્કૂલો બંધ કરવાનો આદેશ અપાયો છે. આર્કટિક બ્લાસ્ટની અસર બ્રિટન સુધી અનુભવાઈ છે.

બ્રિટને પણ એક સપ્તાહ સુધી આર્કટિક એરના ઠંડા પવનોનો સામનો કરવો પડી શકે છે. અંદાજે 854 કિ.મી. લાંબા 'સ્નો બોમ્બ'એ અમેરિકાની સાથે બ્રિટનને પણ જકડી લીધું છે. સ્કોટલેન્ડના અબેર્ડીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં 15 સેમી બરફ પડયો છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, આર્કટિક એર બ્લાસ્ટના કારણે ઉત્તરીય આયર્લેન્ડ અને ઉત્તરીય ઈંગ્લેન્ડમાં એક સપ્તાહ સુધી ભારે હિમવર્ષા જોવા મળી શકે છે. જોકે, દક્ષિણમાં શિયાળુ તાપમાન ખુશનુમા રહેવાની શક્યતા છે. અહીં આગામી સમયમાં તાપમાન માઈનસ ૫થી માઈનસ 10 ડિગ્રી રહેવાની શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application