ટ્વિટરે સ્વીકાર્યું હતું કે ઓળખ ગુપ્ત રાખીને ટ્વિટરમાં સક્રિય એવા અસંખ્ય યુઝર્સની જાણકારી લીક થઈ ગઈ હતી. ટેકનિકલ ખામીના કારણે 54 લાખ જેટલા યુઝર્સના ડેટા લીક થઈ ગયા હતા. જોકે, હવે એ ખામી દૂર કરી દેવામાં આવી હોવાનું પણ ટ્વિટર મેનેજમેન્ટે જાહેર કર્યું હતું. ડેટા સિક્યુરિટી એક્સપર્ટ્સે આ બાબતે ટ્વિટરની ઝાટકણી કાઢી હતી. સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે ગયા વર્ષે અસંખ્ય યુઝર્સનો ડેટા લીક થયો હતો.
ખાસ તો ઓળખ ગુપ્ત રાખનારા અસંખ્ય યુઝર્સની ખાનગી માહિતી જાહેર થઈ ગઈ હતી. તેમનું સાચું નામ, નંબર જેવી વિગતો ટેકનિકલ ખામીના કારણે હેકર્સના હાથમાં આવી ગઈ હતી. ટ્વિટરે એ બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી કે ગયા વર્ષે 54 લાખ યુઝર્સનો ડેટા લીક થયો એ પાછળ આ જ કારણ જવાબદાર હતું કે નહીં. પરંતુ ટેકનોએક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ગયા વર્ષે 54 લાખ ટ્વિટર યુઝર્સનો ડેટા ડાકવેબમાં વેચવા કઢાયો હતો એ જ ડેટા ટેકનિકલ ખામીથી લીક થયો હતો.
અમેરિકન નેવલ એકેડમી ડેટા સિક્યુરિટી એક્સપર્ટ જેફ કોસેફે ટ્વિટરની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર છબરડો છે. અસંખ્ય લોકો ટ્વિટર એકાઉન્ટ ઓપન કરે ત્યારે સાચી વિગતો આપે છે, પરંતુ જાહેર ઓળખ ગુપ્ત રાખીને ટ્વિટરમાં સક્રિય રહે છે. ખાસ તો માનવ અધિકાર કાર્યકરો વગેરે માટે એ ખૂબ જ મહત્વનું હોય છે.
આવી સ્થિતિમાં તેમની ઓળખ જાહેર થઈ જાય તે બિલકુલ અયોગ્ય છે. ટ્વિટરની ટેકનિકલ ખામી ચલાવી શકાય નહીં. કંપનીએ તેના નિવેદનમાં કેટલા યુઝર્સનો ડેટા લીક થયો તે બાબતે કહ્યું ન હતું, પરંતુ ફોન નંબર, નામ, ઈમેઈલ આઈડી વગેરેની વિગતો લીક થયાનું સ્વીકાર્યું હતું અને હવે એ ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ હોવાનું પણ કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500