સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તિ વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં મુલાકાતીઓના વિશાળ સમુદાય સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણીના શુભ આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુકત ઉપક્રમે આ સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે. સાથે સાથે એક્તા નગર SRP સેનાપતી એન્ડ્રુ મેકવાન્ના સહયોગથી એકતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુકત ઉપક્રમે દર શનિવાર-રવિવારના રોજ સાંજે પ્રવાસીઓના મનોરંજન માટે ખાસ પોલીસ બેન્ડની સુરાવલીઓ આકર્ષણ જમાવી રહી છે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે, આગામી તા.૨૭/૦૭/૨૦૨૪, શનિવારના રોજ સાંજે ૦૫.૪૫ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં અને સાંજે ૦૭.૦૦ કલાકે બસ બે ખાતે ડાંગ જીલ્લાનું પ્રસિદ્ધ કહાડીયા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે,સાથે જ તા.૨૭ અને ૨૮/૦૭/૨૦૨૪, શનિ-રવિવાર ના રોજ પોલીસ બેન્ડની સુરાવલીઓ સાંભળવાનો લ્હાવો મળશે, પ્રવાસીઓને અપીલ છે કે, ઉપરોકત દિવસોમાં એક્તા નગરના પ્રવાસનું આયોજન કરીને ભારતના સાંસ્કૃતિક વારસાના દર્શન કરીએ. જાણો કહાડીયા આદિવાસી નૃત્ય વિશે ડાંગ જીલ્લામાજં વસવાટ કરતા કુનબી આદિવાસી જુદાં જુદાં પ્રસંગે અલગ અલગ નૃત્યો જેમાં ભાયાં નૃત્ય, ઠાકરે નૃત્ય, ઘુમ્મરિયું ,પાવરી કે માદળ જેવા નૃત્યો કરે છે.
આ સમગ્ર નૃત્યો ઢોલ, શરણાઇ, ઘુંઘરુ, કરતાલ, સૂર જેવા વાદ્ય-વાંજીત્રોના તાલે કરે છે.કહાડીયા કુનબી જનજાતિનું પ્રમુખ નૃત્ય છે. કુનબી જનજાતિના કુટુંબીજનો ચૈત્ર વિક્રમ સંવતના ચૈત્ર માસ દરમિયાન કહાડીયા નૃત્ય કરે છે. આ નૃત્યમાં કુલ છ અલગ અલગ પ્રક્રિયાઓ જોવા મળે છે.પોતે રાખેલ માનતા-બાધા કે દેવદેવીઓને રિઝવવા માટે આ નૃત્ય તેઓ કરે છે. આ નૃત્યમાં ભાઇઓ અને બ્હેનો સમુહમાં નૃત્ય કલાકાર તરીકે જોડાય છે. આ નૃત્યમાં પોતાની કુળદેવીની રિઝવવા માટે લાકડાના કે માટીના મ્હોરા બનાવે છે. આ મ્હોરા તેઓ જાતે બનાવે છે અને નૃત્ય દરમિયાન જયારે તે મ્હોરા પહેરીને ચાળા કરે ત્યારે તેઓ એવું માને છે કે માતાની શક્તિ પોતાના શરીરમાં પ્રવેશે એટલે તે પોતે પુરા જોશ સાથે નૃત્ય કરી શકે કારણ કે માતા તેની શક્તિ પ્રદાન કરે છે.
કહાડીયા નૃત્યમાં પહેરવેશ ભાઇઓ ઘેરા રંગીનનો બુશશર્ટ, ધોતી, માથે ફાળિયું , હાથમાં રંગીન રૂમાલ, કેડમાં રૂમાલ બ્હેનો કચ્છ મારેલ સાડી,બ્લાઉઝ પહેરે છે. આ નૃત્યમાં રંગીન જરીવાળો રેશમી દુપટ્ટો, રંગીન ભરતવાળી છત્રી, લાકડાનું મ્હોરું, સુતરાઉ દોરી, તાજ, નાની તલવારનો ઉપયોગ કરે છે. કહાડીયા નૃત્ય માં ઉપયોગ થતા વાજીંત્રો સંગીતના સાધનોએ નૃત્યને આહલાદ્ક બનાવવા માટેના અવિભાજ્ય સંસાધનો છે.કહાડીયા જનજાતિ આ નૃત્યમાં કરતી વખતે શૂર, નાની પિપુડી, શરણાઇ, ઢોલક વગાડે છે. નૃત્ય કરનાર વ્યકિતઓ કોઇ પ્રકારનાં વાદ્ય-વાંજીત્ર વગાડતાં નથી. નૃત્યમાં વપરાતી શરણાઇ અને શૂર એ બન્ને સિસમના લાકડામાંથી બનાવતાં હોય છે. ઢોલક બનાવવા સાગ કે સિસમનું લાકડું વાપરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500