ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામે ગરીબ આદિવાસી પરિવારમાં ઉછરેલી સરિતા ગાયકવાડે રમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી અને ડાંગ સહિત રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે રાજ્ય સરકારે તેની DySP તરીકે નિમણૂંક કરી વિશેષ સન્માન આપતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.જેને લઈને વઘઇ કિલાદ કેમ્પ સાઇટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
ઇન્ડોનેશિયા ખાતે રમાયેલ એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગની સરિતા ગાયકવાડે ગુજરાત રાજ્યનું નામ દેશ અને દુનિયામાં ગર્વથી ઊંચું કર્યું હતું. સરિતાની આ સિદ્ધિ બદલ ગુજરાત સરકાર દ્વારા પવિત્ર નવરાત્રીના દુર્ગાઅષ્ટમી ના દિવસે ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક પત્ર આપ્યો છે.
સરિતાને મળેલ કલાસ ૧ ના આ સન્માનીય પદ થી તેના પરિવાર સહિત સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ ની લાગણી જોવા મળી છે. સરિતા ગાયકવાડે આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાત સરકારનો અને તેણીને શરૂઆતથી માર્ગદર્શન પૂરું પાડનાર સમાજ સેવક અશોકભાઈ ધોરાજીયાનો વિશેષ આભાર માન્યો હતો.જયારે પ્રેસ કોન્ફરન્સ માં ડાંગ-નવસારી જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.(વનરાજ પવાર દ્વારા આહવા-ડાંગ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500