Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા પંચાયતનું રૂપિયા ૩૯૩ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

  • March 05, 2024 

ડાંગ જિલ્લા પંચાયત, આહવાનુ સને ૨૦૨૩–૨૦૨૪ ના વર્ષનુ સુધારેલ તથા સને ૨૦૨૪–૨૦૨૫ ના વર્ષનુ વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરાયું છે. ડાંગ જિલ્લા પંચાયતની હિસાબી શાખામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ સભામાં સને ૨૦૨૪–૨૦૨૫ નું કુલ રૂા.૩ કરોડ ૯૩ લાખથી વધુની રકમનુ વિકાસલક્ષી અંદાજપત્ર સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યુ છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષ સ્થાને, અને ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડકની ઉપસ્થિતમાં ડાંગ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના ૧૭ સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, હિસાબી અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં આ બજેટ રજૂ કરાયું હતું.


ગુજરાત રાજય દેશનાં વિકાસમાં પ્રથમ હરોળમા છે, અને રાજયના વિકાસમાં ડાંગનો પણ ફાળો રહેલો છે. જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ એક ડુંગરાળ પ્રદેશ છે. અહીંનો ૯૦% પ્રદેશ વનઆચ્છાદિત પ્રદેશ છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘણું રહે છે. પરંતુ પિયત વિસ્તાર માટે જરૂરી ભૌગિલક પરિસ્થિતિ નથી. તેમ છતાં ખેતીવાડી ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો (ખેતી માટે) જાહેર કરાયેલ છે. ગુજરાતના આ જિલ્લામાં એક પણ ઔદ્યોગિક કારખાના નથી. તેમ છતાં જિલ્લાનો અન્ય જિલ્લાઓની જેમ સર્વાગી વિકાસ કરવાના આયોજન થકી જ, ડાંગના ગામોમાં રસ્તા, પુલો થવાના કારણે મુખ્ય મથક સાથે અહીંના ગામો સીધા જોડાયેલા છે.


અહીં સિંચાઈ, ખેતી, પશુપાલન વગેરે યોજનાઓના કારણે મહદઅંશે ખેતીનો પણ વિકાસ થવા પામ્યો છે. તો આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી જેવી પાયાની સુવિધા લોકો સુધી પહોંચે તેમજ તેમા ઉત્તરોત્તર પ્રગતિ થાય, તેવા સતત પ્રયત્ન થઈ રહયા છે. વિકાસની સતત ચાલતી આ પ્રક્રિયામાં સૌનો સહયોગ અને માર્ગદર્શન સમયાંતરે મળતા રહયા છે. ડાંગ જિલ્લા પંચાયતને મહેસુલી આવક મળતી નથી. કરવેરા કે ખનીજ ઉત્પાદન અંગે પણ કોઈ લાભ મળતો નથી. ફક્ત વન ઉપજની ૧૦% આવક ઉપર જ આધાર રાખવો પડે છે. જેના કારણે જિલ્લા પંચાયત પાસે આવકના સ્ત્રોત નહિવત છે.


ડાંગ જિલ્લામાં કુલ ત્રણ તાલુકા અસ્તિત્વમાં છે. આમ, સ્વભંડોળ ક્ષેત્રે વહીવટી/વિકાસના ખર્ચમાં વધારો થવા પામ્યો છે. જે બાબતો ધ્યાને લઈ પોતાની આવકના સાધનો વધે, તે બાબત વિચાર માંગી લે છે. જિલ્લાનું સર્વલક્ષી વિકાસશીલ અંદાજપત્ર સરકારશ્રીના ફંડ સિવાયની આવકો સિવાય તૈયાર કરવું ખુબ જ મુશ્કેલ ભર્યું કામ છે. તેમ છતાં જિલ્લાના વિકાસ માટે મર્યાદિત આવકને ધ્યાને લઈ આ અંદાજપત્ર તૈયાર કરાયું છે. અંદાજપત્ર તૈયાર કરવામાં જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તથા સૌ પદાધિકારીશ્રીઓ અને શાખાધિકારીશ્રીઓ સાથે સંકલન કરી આ અંદાજપત્રનું આયોજન શક્ય બન્યુ છે. તે મુજબ સને : ૨૦૨૩-૨૦૨૪નાં સુધારેલ તથા સને ૨૦૨૪-૨૦૨૫ નાં અંદાજોમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળ તેમજ સરકારી સદરે મુખ્યત્વે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.


જિલ્લા પંચાયત વિકાસ ક્ષેત્રે (ત્રણ તાલુકા પંચાયતો સહીત) ફાળવણી રૂા.૭૫.૦૦ લાખ સ્વભંડોળ સદરે અને રૂા.૪૨૫૯.૦૦ લાખ સરકારી સદરો સહીતનું આયોજન કરાયું છે. જે મુજબ ખેતીવાડી ક્ષેત્રે રૂા. ૩૭.૮૦ લાખ સ્વભંડોળ સદરેથી જયારે રૂા.૨૫૯.૯૫ લાખ સરકારી સદરેથી ખર્ચની માંગણીનું આયોજન છે. જયારે પશુપાલન ક્ષેત્રે રૂા.૨.૬૧ લાખ સ્વભંડોળ સદરેથી અને રૂા.૩૯૯.૬૭ લાખ સરકારી સદરે આયોજન કરેલ છે. આરોગ્ય ક્ષેત્રે રૂા.૫.૦૦ લાખ સ્વભંડોળ સદરેથી જયારે રૂા. ૧૭૮૦.૦૦ લાખ સરકારી સદરેથી ખર્ચની માંગણીનું આયોજન છે. બાંધકામ ૧ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી રૂા.૬૪.૨૧ લાખ તથા રૂા. ૯૯૯૦.૭૦ લાખ સરકારી સદરેથી જિલ્લાના માળખાકીય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. સિંચાઈ ક્ષેત્રે રૂા.૨૦.૦૦ લાખ સ્વભંડોળ સદરેથી તથા રૂા.૧૫૩૯.૭૦ લાખ સરકારી સદરે આયોજન કરેલ છે. શિક્ષણ ક્ષેત્રે રૂા.૨૮.૦૨ લાખ સ્વભંડોળ તથા સરકારી સદરે રૂા.૧૬૯૧૫.૬૦ લાખની જોગવાઈ કરેલ છે.


જિલ્લાના વિકાસના કામો માટે રાજય સરકાર દ્વારા આયોજન મંડળ, આદિજાતિ પેટા વિસ્તાર યોજના, પછાત વિસ્તાર અનુદાન ફંડ તેમજ અન્ય ખાતાઓ તરફથી યોજનાઓના લાભ મળવાથી સરકારી યોજના હેઠળ ખુટતી કડીના કામો પેટે અનુદાન ઉપલબ્ધ થાય છે. તેમજ મનરેગા યોજના હેઠળ રોજગારી સહ માળખાકીય સુવિધા ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહેલ છે. આમ આવકના સિમિત સ્ત્રોત હોવા છતાં જિલ્લાનો સર્વાગી વિકાસ સાધવાનો પ્રયત્ન કરાયો છે તેમ, પંચાયત પ્રમુખશ્રીએ સભા સદસ્યોને આવકારી, બજેટમંજુર કરવામા આવ્યુ હતુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application