હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સમય દરમિયાન ડાંગ જિલ્લામા ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને લેતા, જિલ્લાના તમામ લાયઝન અધિકારીઓ, તેમજ લાઈન ડીપાર્ટમેન્ટના તમામ અધિકારીઓને ફરજિયાત તેમના હેડ ક્વાર્ટર ઉપર હાજર રહેવાની સૂચના અપાઈ છે.ડાંગના નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામિત તરફથી મળેલી એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા અધિકારીઓ ઉપરાંત તેમના તાબા હેઠળની કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓને પણ હેડ ક્વાર્ટરમા હાજર રહી, કંટ્રોલ રૂમ સાથે સત સંપર્કમાં રહી ફરજ બજાવવાની તાકીદ કરવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, તા.15/9/2022 ના રોજ સવારે છ વાગ્યાથી આ લખાઈ છે ત્યાં સુધી, એટ્લે કે સાંજના ચાર વાગ્યા સુધી જિલ્લામા સરેરાશ 45 મી.મી. વરસાદ નોંધવા પામ્યો છે. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો અનુસાર, આ દસ કલાક દરમિયાન આહવા તાલુકામા 46 મી.મી. વરસાદ નોંધાતા અહી મોસમનો કુલ વરસાદ 2406 મી.મી. થવા જાય છે. તો વઘઇ તાલુકાનો 65 મી.મી. વરસાદ નોંધાતા અહી મોસમનો કુલ વરસાદ 2333 મી.મી., સુબીર તાલુકાનો 36 મી.મી. વરસાદ નોંધાતા અહી 2192 મી.મી., અને સાપુતારા પંથકનો 33 મી.મી. વરસાદ નોંધાતા અહી મોસમનો કુલ વરસાદ 2573 મી.મી. નોંધાઈ ચૂક્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500