'કોરોના'ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા માટે 'વિક્સીનેસન' ઉપર ભાર મુક્તા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે પોતાના એમ.પી. ફંડમાંથી રૂ.૪૦ લાખ ડાંગ જિલ્લાના ઓક્સીજન પ્લાન્ટ માટે ફાળવીને, રસીકરણ બાબતે ઘરે ઘર સુધી સાચી સમજણ પહોંચાડી, સો ટકા વેક્સીનેસન જ 'કોરોના' સામે પ્રજાજનોને રક્ષણ આપી શકશે તેમ સ્પસ્ટપણે જણાવ્યુ હતુ.
આહવા ખાતે ડાંગ જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકને સંબોધતા ડો.પટેલે ડાંગ જિલ્લાના પ્રજાજનોમા રસીકરણ બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ સામે તેમને સાચી સમજ આપવા માટે અધિકારી, પદાધિકારીઓને ઘરે ઘર સુધી પહોંચીને રસીકરણ ઝુંબેશને તેના મુકામ સુધી પહોંચાડવાની હાંકલ કરી હતી.
કેન્દ્રીય પુરસ્કૃત વિવિધ યોજનાઓની ફાળવેલી ગ્રાન્ટ સામે મંજુર કરાયેલા કામો સમય મર્યાદામા પૂર્ણ કરવાની સુચના આપતા પટેલે ડાંગ જેવા દુર્ગમ પહાડી પ્રદેશમા સંદેશ વ્યવહારની સુવિધાઓ અસરકારક રીતે વધારવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ સત્વરે કાર્યાન્વિત કરવાની પણ સુચના આપી હતી. બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત તથા ધારાસભ્ય વિજયભાઈ પટેલે વિકાસ યોજનાઓના લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભો પહોંચાડવાની વિવિધ અમલીકરણ અધિકારીઓને અપીલ કરી હતી. દરમિયાન કલેકટર ભાવિન પંડ્યાએ આગામી તા.૧૦મી જુલાઈ સુધી ડાંગ જિલ્લાના તમામે તમામ વેપારી મહાજનોને હાલમા ઉપલબ્ધ વિનામૂલ્યે રસીનો ડોઝ ફરજીયાતપણે લઈ લેવાની હિમાયત કરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.બી.ચૌધરીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જુદા-જુદા વિભાગોની મુદ્દાવાર છણાવટ હાથ ધરી હતી.
દરમિયાન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના, મિશન જળશક્તિ અભિયાન, નદીઓને પુનઃ જીવિત કરવાનો પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, વિવિધ વીજ યોજનાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ, સમગ્ર શિક્ષા યોજના, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આંગણવાડી કેન્દ્રની યોજનાઓ, મધ્યાહ્ન ભોજન યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, ઈ ગ્રામ સેન્ટરની સેવાઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ-૨૦૦૫, એન.આર.એલ.એમ. યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), સંદેશ વ્યવહારની સેવાઓ સહીત પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના વિગેરેની વિસ્તૃત સમીક્ષા હાધ ધરવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500