ડાંગનાં આહવા તાલુકાનાં મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી એક દિવ્યાંગ મહિલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભ માટે રજૂઆત કરી રહી છે પરંતુ આજદિન સુધી આ મહિલાને યોજનાનો લાભ મળ્યો નથી તેમજ લાભ આપવા બાબતે ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ જણાતા મહિલાએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય ન્યાયની માંગણી કરી હતી. રોશનબેન જુમ્માભાઈ વાનીના જણાવ્યાનુસાર, ગ્રામજનોનાં સર્વસંમતિથી તેમનું નામ આવાસ યોજનામાં લખવામાં આવ્યુ હતું પરંતુ યાદીમાં તેઓનું નામ નહીં હોવાથી તેઓએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જે બાદ આવાસ પલ્સ એપ્સ સરવે નંબર-193માં તેઓનું નામ હોવાથી તેઓ તલાટી-કમ-મંત્રી પાસે ગયા હતા. જ્યા આ દિવ્યાંગ મહિલા પાસે રૂપિયા 3000/- હજારની માંગણી કરવામાં આવી હતી.
જયારે આ મહિલા નાણાં નહીં આપી શકતા તેનુ નામ કમી કરવામાં આવ્યું હતું. આ સાથે આ મહિલાની જગ્યાએ અન્ય લાભાર્થીને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હોવાનો મહિલાએ અરજીમાં આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.
વધુમાં આ દિવ્યાંગ મહિલાએ કલેક્ટરને આપેલી અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ તથા ઉપસરપંચનાં માનીતાઓને જ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને યોજનાનો લાભ આપવામાં આવતો નથી. આ અંગે દિવ્યાંગ તેમજ ત્યકતા મહિલાએ ન્યાયની માંગણી સાથે કલેકટરને લેખિત ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500