ડાંગ જિલ્લામાં કોરોનાનુ હવે સંક્રમણ ખુબ જ ઓછું છે તે છતાં પણ વઘઇ તાલુકાની અમુક બસોને રાબેતા મુજબ શરૂ ન કરાતા ગામડાઓમાંથી રોજ અપડાઉન કરતાં યુવાનો, વડિલો સહિત નાનામોટા ધંધાર્થીઓ ઉપરાંત સ્થાનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વઘઇ તાલુકામાં આવેલ સાવરખડી, સિલોટમાળ, ભુરભેંડી, દિવડીયાવન, કોસમાળ, દગુનીયા, માંળુગા તથા આહવા-વ્યારા બસ અને વલસાડ-સાપુતારા બસ પણ સ્થાનીક મુસાફરો સહિત રોજ અપડાઉન કરતાં શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ હતી.
કોરોના સંક્રમણને લઈને આ બસ બંધ થઈ જતાં યુવાનો, વડીલો, નાના મોટા ધંધાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હતી હવે કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને કેસોની સંખ્યા નહિવત રહેતાં તમામ મુસાફરો આ બસોને શરૂ કરવા માંગ કરી રહ્યા છે, જયારે વઘઈ ખાતે તમામ લોકો વઘઇ તાલુકા પંચાયત કે પછી વઘઈ તાલુકા સેવા સદન ખાતે પોતાના કામકાજો માટે દુર-દુરથી પોતાના પ્રાઈવેટ વાહનોમાં આવતાં હોય છે હાલ પેટ્રોલ અને ડીઝલોનો ભાવ પણ વધતા પોતાના કામકાજ માટે પોતાનું પર્સનલ વાહન પણ લાવવાનું લોકોને મોંઘુ પડી રહ્યુ છે જયારે અમુક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે પોતાના વાહનો ન રહેતાં તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે વલસાડ નિગમમાં સમાવિષ્ટ આહવા ડેપો મેનેજર આ બસોને ફરી શરૂ કરાવે એવી માંગ ઉઠવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500