નવસારી કૃષિ યુનિવર્સિટીનું આદિવાસી ખેડુત ભાઈઓ માટે કામ કરતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) દ્વારા તા.૭ જુલાઇ, ૨૦૨૧ના રોજ “પાક વિમા યોજના” પર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જી.જી. ચૌહાણ દ્વારા ખેડુતોને આ યોજનામાં જોડાવાનો અને પાકને સુરક્ષીત રાખવાના સુચનો કર્યા હતા. કેન્દ્રના વૈજ્ઞાનિક જે.બી. ડોબરીયા અને બીપીન વહુનિયા દ્વારા પાક વિમા યોજના દ્વારા આપાતકાલીન પરિસ્થિતીમાં પાકમાં થતા નુકશાનને પહોંચી વળવા માટે આ યોજનાના ફાયદા અને તેનું રજીસ્ટ્રેશન અને તેનું અમલીકરણ બેંક અને રાજય સરકાર દ્વારા કેવી રીતે થાય તેનું વિસ્તારથી માર્ગદર્શન આપ્યું હતું.
આ યોજનામાં ખેડુતભાઇઓને ૦% પાકનું પ્રિમિયમ ભરીને પાકમાં થતા નુકશાન સામે વળતર મેળવી શકે છે. આ યોજનામાં ખેડુતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જે ખેડુતભાઇઓ પાક ધિરાણ ના લેતા હોય તેવા ખેડુત ભાઈઓનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, વઘઇના બ્રાંચ મેનેજર મનોજ પટેલ ઉપસ્થિત રહીને ખેડુત ભાઇઓને પૈસાની બચત કરવાની તથા ખેતીલક્ષી પાકવિમો તથા અન્ય એક્સીડન્ટલ વિમા યોજનાની વિસ્તારથી માહિતી આપી હતી.
કાર્યક્રમમાં શ્રેયાંસ ચૌધરી (હવામાન શાસ્ત્રી) દ્વારા વખતો વખત હવામાન અને વરસાદ આધારીત આગાહીના બુલેટીનને વાંચવાનો અને તે પ્રમાણે ખેતી કરવાનો અમુલ્ય સંદેશ ડોકપાતળના ભાઈઓને પાઠવ્યો હતો. કાર્યક્રમના અંતમાં ખેડુતભાઈઓના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને તેઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) ની મુલાકાત કરવા જણાવ્યું હતું જેથી કરી કૃષિલક્ષી માહિતી અને કૃષિની સમસ્યાનો ઉકેલ ખેડૂત ભાઈઓ મેળવી શકે અને કેન્દ્રનો મહત્તમ લાભ લઈ શકે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500