Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : સંકલન સમિતિના નિયત મુદ્દાઓની વિગતો ચોકસાઈપૂર્વક મોકલવાની કલેકટરની સૂચના

  • October 23, 2023 

આગામી ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લેતા જિલ્લાના તમામ વિભાગો/કચેરીઓના કર્મચારીઓની માહિતી ચોકસાઈ સાથે ચૂંટણી તંત્રને મોકલવાની સૂચના આપતા ડાંગ કલેકટર મહેશ પટેલે, દરેક જિલ્લા અધિકારીઓને કોઈ પણ કર્મચારીઓની વિગતો છુપાવ્યા વિના પારદર્શી રીતે સત્વરે મોકલી આપવાની તાકીદ કરી હતી. ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેકટરશ્રીએ સંકલન જેવી અગત્યની બેઠકમાં પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેનાર અધિકારીઓ બાબતે ગંભીર નોંધ લઈ, તેમને નોટિસ ઇસ્યુ કરી જવાબ તલબ કરવાની પણ તાકીદ કરી હતી.



આગામી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઇ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પરસ્પર સંકલન, અને સહયોગ સાથે કાર્યક્રમ આયોજન, લક્ષ્યાંકોની પૂર્તિ સહિત વિકાસ કામો પૂર્ણ કરવાનું આહવાન પણ ડાંગ કલેકટર મહેશ પટેલે આ વેળા કર્યું હતું. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા કલેકટર પટેલે જિલ્લામા સ્વચ્છ ભારત મિશન, કળશ યાત્રા જેવા ફ્લેગશીપ કાર્યક્રમો બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.



જિલ્લા વિકાસ અધિકારીએ પણ જિલ્લા અધિકારીઓને વિશેષ જાણકારી પુરી પાડી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમા, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તી નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઈન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ, સી.એમ.ડેશબોર્ડ, ગ્રામસભા અને સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો વિગેરેની પણ સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતુ.



દરમિયાન જિલ્લા અધિકારીઓએ ચૂંટણી અને ડિઝાસ્ટર જેવી સંવેદનશીલ કામગીરી પરત્વે સૌને તેકેદારી દાખવવાનો પણ અનુરોધ કરાયો હતો. કલેકટરશ્રીએ ગત દિવસો દરમિયાન જિલ્લામાં યોજાયેલી GPSCની પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લાના શિક્ષણ વિભાગ સહિત પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવાળી પૂર્વેની શક્યત: છેલ્લી સંકલન બેઠકમાં કલેકટરશ્રીએ સૌ અધિકારીઓને દિવાળી અને નવાવર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application