ડાંગ જિલ્લામાં અગાઉ વરસાદ પડતા ઠેરઠેર ભારે નુકસાન થયું હતું. જેમાં માનવ સહિત પશુ-મૃત્યુનાં બનાવો નોંધાયા હતા. જોકે શનિવારે સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત સુબીર પંથકમાં બપોર બાદ જોરદાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. સુબીર અને સાપુતારા પંથકમાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે અંબિકા, ગીરા અને પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંડીતુર બની હતી અને માર્ગો પર પાણી ભરાયા હતા.
જ્યારે અંબિકાનાં પાંચથી વધુ નીચાણવાળા કોઝવે થોડાક સમય માટે પ્રભાવિત બન્યા હતા. આહવા અને વઘઇ પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. ગિરિમથક સાપુતારામાં હાલમાં મેઘમલ્હાર પર્વ ચાલી રહ્યો છે, પરંતુ સતત ત્રીજા દિવસે વરસાદી તાંડવે ગિરિમથક સાપુતારાને ઘમરોળતા મોન્સૂન ફેસ્ટિવલનાં રંગમાં પણ ભંગ પડ્યો હતો.
જોકે સાપુતારામાં રાષ્ટ્રીય ઘાટ માર્ગની બંજર સ્થિતિ અને છેલ્લા ત્રણ દિવસથી ખાબકી રહેલ ધોધમાર વરસાદનાં પગલે ફરી ભેખડો ઘસવાનાં ભયનાં પગલે હાલમાં ઓછી સંખ્યામાં પ્રવાસીઓ આવતા ચાલુ વર્ષનો મેઘમલ્હાર પર્વ ફિક્કો થયો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન વઘઇમાં 21 મિમી, આહવામાં 44 મિમી, સુબીરમાં 61 મિમી, જ્યારે સાપુતારામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500