‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ આહવા તાલુકા પંચાયત દ્વારા રચાયેલા મહિલા સ્વસહાય જૂથોના સામૂહિક ‘દિવાળી સ્ટોલ્સ’ને આજે મહાનુભાવોએ ખુલ્લો મૂક્યો હતો. આહવાની કલેક્ટર કચેરીની સામે ડાંગની ગ્રામીણ મહિલાઓના કુલ ૧૦ જેટલા વિવિધ ચીજવસ્તુઓના વેચાણ-કમ-પ્રદર્શનના સ્ટોલ્સને રિબન કાપીને ખુલ્લો મુક્તા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષએ ઉપસ્થિત રહી, પ્રજાજનોને ‘વોકલ ફોર લોકલ’ બનીને, સ્વદેશી ઉત્પાદનોના વપરાશ માટે અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, તા.૧ થી ૩ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન આયોજિત આ “દિવાળી સ્ટોલ્સ”મા ડાંગ જિલ્લાના જુદા-જુદા મહિલા સ્વસહાય જૂથો દ્વારા નાગલીની વિવિધ વેરાયટીઓ, ઉપરાંત શક્કરપાડા, ચોળાફળી, મઠીયા, પાપડ જેવા દિવાળીના નાસ્તા, રંગોળી, કોડિયા, હળદર મસાલા, સહિત ડ્રેસ મટિરિયલ જેવા ઉત્પાદનો વેચાણ અર્થે રજૂ કરાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500