ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઇ.આર.ટી), ગાંધીનગર દ્વારા પ્રેરિત ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો 'કલા ઉત્સવ' જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે યોજાઇ ગયો. "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે આયોજિત આ કલા ઉત્સવમા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત આ કલા ઉત્સવમા ચિત્રકલા, સંગીત, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને કાવ્ય ગાન જેવી સ્પર્ધાઓમા બાળકોએ સૌ પ્રથમ સી.આર.સી.કક્ષાએ ભાગ લીધો હતો. સી.આર.સી.કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ, અને તાલુકામાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભા ઉજાગર કરી હતી.
તે સાથે જિલ્લાની માધ્યમિક શાળાઓ માટે રોલ પ્લે અને ફોક ડાન્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમા બેટી બચાવો બેટી પઢાવો, વ્યસન મુક્તિ, સ્ત્રી સશક્તિકરણ વિગેરે થીમ આધારિત સ્પર્ધા યોજાઈ હતી. જેમા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વઘઈ, આહવા અને સુબીરનો દબદબો રહ્યો હતો. આ તમામ સ્પર્ધામા પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, શીલ્ડ અને રોકડ પુરસ્કાર પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉતના હસ્તે એનાયત કરવામા આવ્યા હતા. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકો આગામી દિવસોમા રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500