ડાંગનાં આહવા તાલુકાનાં ભાપખલ ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા આસપાસનાં પંથકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં શામગહાન રેંજના ભાપખલ ગામે છેલ્લા એક મહિનાથી દીપડાએ આતંક મચાવ્યો છે. અને આ દીપડાએ ભાપખલ ગામમાં 15થી વધુ મરઘાઓનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો જોવા મળી રહ્યો છે.
જયારે આ દીપડો રોજેરોજ સવારે અને સાંજનાં અરસામાં ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં દહાડ કરતો સાંભળવા મળી રહ્યો હતો. જેથી ગ્રામજનોએ આ દીપડાને પાંજરે પુરવા શામગહાન રેંજમાં અરજી આપી હતી. જોકે ડાંગનાં ભાપખલ ગામે મરઘાનાં શિકાર બાદ આ દીપડો પાલતુ પ્રાણીઓનાં શિકાર તરફ વળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે રાત્રિનાં અરસામાં આ દીપડાએ ભાપખલ ગામનાં પશુપાલક મંજુલાબેન પરસ્યાભાઈ વાહુટનાં ઘરનાં પાછળનાં વાડામાં ઘુસી જઈ વાછરડીનું મારણ કર્યુ હતું.
તેમજ દીપડાએ વાછરડીનું મારણ કરતા આ પશુપાલક દ્વારા શામગહાન રેંજનાં આરએફઓને લેખિતમાં રજૂઆત કરી વળતરની માંગ સાથે આ દીપડાને પાંજરે પુરી અન્યત્ર ખસેડવાની માંગ કરી હતી તેમજ દક્ષિણ ડાંગનું શામગહાન રેંજ વિભાગ ભાપખલ ગામને ભયમુક્ત બનાવે તે જરૂરી છે. આમ, આસપાસના વિસ્તારોમાં દીપડાએ કરેલા મારણની ઘટના છેલ્લા કેટલાક સમયમાં બની છે જેથી લોકોમાં ભય ફેલાયો જોવા મળી રહ્યો છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500