ડાંગ જિલ્લાના વઘઇ સાપુતારા માર્ગમાં નાનાપાડા આહેરડી ગામની પાસે હિરો કંપનીના મોટરસાઈકલ ભરેલા કન્ટેનરને વીજલાઈન અડી જતા ભીષણ આગ લાગી જતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લામાં સતત વાહનોથી ધમધમતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગુજરાત રાજ્યમાંથી હિરો કંપનીની મોટરસાઈકલ ભરી મહારાષ્ટ્ર તરફ જઇ રહેલા કન્ટેનર નંબર આરજે/09/જીબી/6025ને નાનાપાડા આહેરડી ગામની પાસે માર્ગ ઉપરથી જતી વીજલાઈનને કન્ટેનર અડી જતાં ભીષણ આગ લાગી હતી.
આગ લાગતાની સાથે વઘઈ સાપુતારા માર્ગ પર બન્ને સાઈડે ટ્રાફિક જામ થઇ ગયો હતો થોડી જ વારમાં કન્ટેનરમાં આગની જ્વાળા ભભુકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ ઘટનાની જાણ સાપુતારા ફાયર-બ્રિગેડને થતાં ફાયર-બ્રિગેડની ટીમે સ્થળ પર આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે આ બનાવને લઈને ડાંગ પોલીસ અને મામલતદાર સહિતની ટિમ પણ સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ આગના બનાવમાં કન્ટેનર સહિત કન્ટેનરની અંદર ભરેલ હિરો મોટરસાઈકલ ભળીને ખાખ થઇ જતાં ભારે નુકસાની થઈ હતી. આ બનાવમાં ડ્રાઈવર અને ક્લિનરને કરંટ લાગતા સારવાર માટે વઘઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા જયારે ડ્રાઈવરની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500