ડાંગ જિલ્લાના પીપલ્યામાળ ગામે માસી સાથે ચેકડેમમાં કપડા ધોવા ગયેલા બાળકનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું છે. બાળક મામાને ત્યાં રહેવા ગયો હતો. ત્યાં આ દુ:ખદ ઘટના બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડાંગ જિલ્લાના સોડમાળ ગામના રહેવાસી રાજેશભાઈ ગામીતનો એકનો એક પુત્ર આયુષ (ઉ.વ.9) રવિવારનાં રોજ મામાના ઘરે પીપલ્યામાળ ગયો હતો. જ્યાં તેની માસી સાથે નજીકમાં આવેલા ચેકડેમમાં કપડાં ધોવા માટે ગયો હતો.
તે દરમિયાન સાંજે 5 વાગ્યની આસપાસ અચાનક જ આયુષે પોતાના પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે સીધો ચેકડેમ પરથી ઊંડા પાણીમાં પડી ગયો હતો. જોકે અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર માસીએ પણ બૂમાબૂમ કરી મૂકી હતી અને આયુષને બચાવવા ધમપછાડા કર્યા હતા પરંતુ આયુષ ચેકડેમના ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો અને તેનો કોઇ પત્તો ન લાગતા સ્થાનિકોએ આવેશના પરિવારને સામગ્ર ઘટનાની જાણ કરી હતી. દીકરો ડૂબી ગયાના સમાચાર પરિવારજનોને મળતા જ તેઓ ઘટના સ્થળે દોડી જઈ આયુષની શોધખોળ કરી હતી.
થોડીવાર બાદ આયુષનો મૃતદેહ પાણીમાંથી મળી આવતા પરિવારજનોના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાથી પીપલ્યામાળ ગામમાં પણ દુ:ખનું મોજું ફરી વળ્યું હતું. જયારે પોતાના દિકરાને ગુમાવી દેતા ગામીત પરિવાર હોશ ખોઇ બેઠો હતો. બનાવ અંગે ભાનુબેન બાબુભાઈએ આહવા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં બનાવની નોંધ લઇ આગળની તપાસ આહવા પોલીસે હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500