સમાજમા ક્યારેક તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા જ ક્યાંક અવાવરુ જગ્યાએ, કે ઉકરડા ઉપર ત્યજી દેવાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે શરીરમા એક કમકમાટી વ્યાપી જાય છે. મન અને મસ્તિસ્કના જ્ઞાનતંતુઓ પણ ઘડી બેઘડી શિથિલ થઈ જાય છે.
જ્યારે કળ વળે ત્યારે લાગણીશીલ માનવીનુ મન વિચારોની ઊંડી ગર્તામા સરી પડે છે. આખરે આવુ કેમ? જે માતા છેક નવ-નવ માસથી પોતાના ઉદરમા તેના સંતાનને ઉછેરે છે, તેણે જ તેને જન્મતા વેંત તરછોડવુ પડે છે?
કારણ ભલે જે હોય તે પરંતુ સમાજ માટે શરમજનક કહી શકાય તેવી આવી ઘટનાઓ ભવિસ્યમા ન ઘટે, અને લાચારી કે નિર્દયતા ને કારણે આવા ત્યજી દેવાયેલા નવજાત શિશુઓનુ અમૂલ્ય જીવન બચાવી શકાય તેવા માનવીય અભિગમ સાથે સંવેદનશીલ રાજ્ય સરકારે ઠેર ઠેર 'અનામી પારણુ' મુકવાનુ અભિયાન આદર્યું છે.
જેના ભાગ રૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમા પણ આવુ જ એક 'અનામી પારણુ' મુકવામા આવ્યુ છે. અહીં એવી મજબૂર, લાચાર કે પછી અનિચ્છનીય સંતાનની માતા, પિતા કે તેમના વાલીઓને પોતાના સંતાનને અવાવરુ જગ્યાએ, કે ઉકરડા ઉપર ત્યજી ન દેતા, અહી ઉપલબ્ધ છત્રછાયા તળે મૂકી જવાની તક મળી રહેશે. જેથી કોઈ અનિચ્છનીય નવજાત શિશુને કોઈ પાલનહારના હવાલે કરી નવજીવન આપી શકાશે.
સંવેદનશીલ રાજ્ય સરકારના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ ત્યજી દેવાયેલા નવજાત શિશુઓને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ મુજબ દત્તક આપવાની પ્રક્રિયા હેઠળ તેનુ પુન:સ્થાપન કરી તેનો ઉછેર કરવા ઇચ્છુક વાલીઓને સોંપવામા આવશે, તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશીએ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500