Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘આઝાદીની લડાઇ’માં ઐતિહાસિક ધરોહર ધરાવતી દાંડીયાત્રા આઝાદીનું પ્રવેશદ્વાર દાંડી

  • August 08, 2023 

દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારતને મહામૂલી આઝાદી મળી, અને આજે દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાનશ્રીએ ૧૨માર્ચ, ૨૦૨૧થી “આઝાદી કા અમૃતમહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થશે. દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીરજવાનને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવશે. “આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે.



ભારતની આઝાદીમાં જો કોઇ મોટી ઘટના હોય તો તે દાંડી કુચ યાત્રા છે. આવો આપણે પણ આઝાદીની લડતમાં દાંડી યાત્રાનું શું મહત્વ છે. તે જાણીએ દાંડીયાત્રા આઝાદીનું પ્રવેશદ્વાર દાંડી. સને ૧૯૨૯માં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. સ્વરાજ માટેની લડત લડનારી દેશની મુખ્ય સંસ્થા કોંગ્રેસ હતી. આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ મેળવવાનો ઠરાવ પસાર થયો અને તે માટેની લડતનો દોર ગાંધીજીના હાથમાં સોંપાયો. આ ઠરાવથી દેશની આઝાદી માટેની લડતની સર્વસત્તા ગાંધીજીને સોંપાઇ. ગાંધીજીનું મંથન શરૂ થયું. સત્ય અને અહિંસા સિવાયનો માર્ગ ગાંધી કદી નહીં લે તે વાત નિશ્વિત હતી. દેશના વધુમાં વધુ લોકો જાડાઇ શકે તેવી લડતના માધ્યમની શોધમાં તેઓ હતા. એમાંથી એમને નમકવેરો લાધ્યો.



મીઠા ઉપર બ્રિટિશ સરકારે ૨૪૦૦ ટકા વેરો નાંખ્યો હતો. અને તે દ્વારા ૬ કરોડ રૂપિયા સરકારની તિજારીમાં જમા થતા હતા. ગરીબ-તવંગર, બચ્ચાં-બુઢ્ઢાં, પ્રાણીઓ સુધ્ધાં મીઠા વિના ચલાવી ન શકે. એટલે મીઠા ઉપરનો વેરો હરકોઇને લાગુ પડ્યો હતો. દેશના તમામ વર્ગના લોકોને સીધી રીતે સ્પર્શે તેવો આ મુદ્દો ગાંધીજીએ પકડ્યો. અને સ્વરાજની લડત માટે મીઠા ઉપરના વેરાની નાબૂદીઃ નમક સત્યાગ્રહ કરવાનું આયોજન કર્યુ પણ ગાંધીજીની આ વાત ઘણાને ગળે ન ઉતરી. દરિયાકાંઠે રહેનારા તો દરિયાકાંઠે જઇને સરકારી હુકમ વિરુદ્ધ મીઠું ભેગું કરીને કે દરિયાનું પાણી ઉકાળીને કાયદો તોડી શકે, પણ હિન્દુસ્તાનની મોટા ભાગની વસતિ, જે દરિયાકાંઠે રહેતી નથી એ કઇ રીતે કાયદો તોડશે? ગાંધીજીની લડવાની રીતે અનોખી હતી. કશું છૂપું નહીં ડંકો વગાડીને, મોરચો માંડતાં પહેલાં સમાધાન માટેના બધાજ પ્રયત્નો કરતા. એ રીતે એમણે નમક સત્યાગ્રહ કરતાં પહેલાં તે વખતના વાઇસરોય લોર્ડ અર્વિનને વિગતવાર પત્ર લખ્યો.



આ પત્રની વાઇસરોય પર કોઇ અસર ન થઇ. મંત્રીએ પહોંચ લેખે ચાર લીટી લખી મોકલી. પત્ર વાંચી ગાંધીજીને ખેદ થયો. મોંમાંથી આ શબ્દો નીકળી ગયા, ‘મેં ઘૂંટણીએ પડીને રોટલો માગ્યો, ત્યારે મને મળ્યા પથ્થર.’ હવે સત્યાગ્રહ સિવાય કોઇ વિકલ્પ રહયો નહીં. ગાંધીજીએ તેની તૈયારીઓ કરવા માંડી. તા. ૧૨મી માર્ચ યાત્રાના પ્રસ્થાનનો દિવસ અને છઠ્ઠી એપ્રિલે દાંડીમાં નમક સત્યાગ્રહનો દિવસ નક્કી થયો. સાબરમતીથી દાંડી સુધીનું અંતર ૨૪૧ માઇલનું હતું. તેને લક્ષમાં લઇ ૨૪ દિવસની યાત્રાનો કાર્યક્રમ નક્કી થયો. જેમ જેમ ૧૨મી માર્ચ નજીક આવતી ગઇ તેમ તેમ દાંડીકૂચનું દિવ્ય દૃશ્ય જોવા માટે બહારગામથી હજારો લોકો અમદાવાદ આવવા લાગ્યા. આખી દુનિયાની નજર આ કૂચ પર મંડાયેલી હતી. એક પ્રાર્થના સભામાં તેમના મુખમાંથી આ ઉદગારો નીકળ્યા હતા, ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકવાનો નથી.’ આવી ભીષ્મપ્રતિજ્ઞા એમણે પ્રાર્થનામાં લીધી હતી. જનમેદનીના હૃદય ઉપર ઍની સોંસરી અસર થતી હતી.



તા.૧૨મી માર્ચની સુપ્રભાતે હસતે મુખે સૌના વંદન ઝીલતા ગાંધીજીને કસ્તૂરબાએ કુમકુમનો ચાંલ્લો કરી સૂતરનો હાર પહેરાવ્યો. કાકાસાહેબે હાથમાં લાકડી આપી પછી ગાંધીથીએ બે ખભે બે થેલીઓ ભરાવી અને જગતના ઇતિહાસે કદી ન જોયેલા કે ન કલ્પેલા સરસેનાપતિએ બરાબર ૬ ને ૨૦ મીનીટે પોતાના ૭૮ સત્યાગ્રહીઓની સૈનિકો અને નેપાળના ખડગ બહાદુરગિરિ અને કાકા કાલેલકરના બીજા દીકરા શંકર દત્તાત્રેય કાલેલકર મળી કુલ ૮૧ સૈનિકો સાથે કૂચ શરૂ કરી. ખરેજીએ ગાંધીજીને અતિપ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે.. ઉપાડ્યું.અને એ રીતે વિશ્વે કદી ન જાયેલે સ્વરાજ્યયાત્રાનો શુભારંભ થયો. યાત્રાનો કાર્યક્રમ આ મુજબ નક્કી થયો હતો.


તારીખ વાર વિસામો/ બપોર રાત્રિ નિવાસ માઇલ ૧૨ માર્ચ, બુધ ચંડોળા તળાવ અસલાલી ૧૩ ૧૩ માર્ચ, ગુરુ બારેજા નવાગામ ૯ ૧૪ માર્ચ, શુક્ર વાસણા માતર ૧૦ ૧૫ માર્ચ, શનિ ડભાણ નડિયાદ ૧૫ ૧૬ માર્ચ, રવિ બોરીયાવી આણંદ ૧૧ ૧૭ માર્ચ, સોમ મૌનવાર આણંદ - ૧૮ માર્ચ, મંગળ નાપાડ બોરસદ ૧૧ ૧૯ માર્ચ, બુધ રાસ કંકાપુર ૧૨ ૨૦ માર્ચ, ગુરુ મહિસાગરને કાંઠે ઝૂંપડીમાં કારેલી ૧૧ ૨૧ માર્ચ, શુક્ર ગજેરા અણખી ૧૧ ૨૨ માર્ચ, શનિ જંબુસર આમોદ ૧૨ ૨૩ માર્ચ, રવિ બુઆ સમની ૧૨ ૨૪ માર્ચ, સોમ મૌનવાર સમની - ૨૫ માર્ચ, મંગળ ત્રાલસા દેરોલ ૧૦ ૨૬ માર્ચ, બુધ ભરૂચ અંકલેશ્વર ૧૩ ૨૭ માર્ચ, ગુરુ સજાદ માંગરોળ ૧૨ ૨૮ માર્ચ, શુક્ર રાયમા ઉમરાછી ૧૦ ૨૯ માર્ચ, શનિ ઍરથાણ ભટગામ ૧૦ ૩૦ માર્ચ, રવિ સાંધીઍર દેલાડ ૧૦ ૩૧ માર્ચ, સોમ મૌનવાર દેલાડ - ૧ ઍપ્રિલ, મંગળ છાપરાભાઠા સુરત ૧૧ ૨ ઍપ્રિલ, બુધ ડિંડોલી વાંઝ ૧૨ ૩ ઍપ્રિલ, ગુરુ ધામણ નવસારી ૧૩ ૪ ઍપ્રિલ, શુક્ર વિજલપોર કરાડી ૯ ૫ ઍપ્રિલ, શનિ કરાડી દાંડી ૪ કુલ માઇલ ૨૪૧ દાંડીકૂચના માર્ગમાં સાબરમતી, ખારી, વાત્રક, મહી, ઢાઢર, નર્મદા, કીમ, તાપી, મીંઢોળા અને પૂર્ણા નદીઓ આવી હતી.



વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઇ તા.૩જી એપ્રિલે સવારે યાત્રા વાંઝથી ધામણ જવા વિદાય થઇ. વચ્ચે આવેલી મીંઢોળા નદી પાર કરવા માટે બળદગાડાની ગાલ્લીઓ જોડી પુલ બનાવી દીધો. ગાંધીજી અને યાત્રીઓ સલામતી રીતે સામે કાંઠે પહોંચી ગયા. કપ્લેથાની સામે ગાયકવાડની હદ શરૂ થતી હતી. દાંડીકૂચનો રસ્તો એવી રીતે નક્કી કરવામાં આવ્યો હતો કે ગાયકવાડી હદને ટાળવામાં આવી હતી. ડાભેલ ગામની પ્રસિદ્ધ મદરેસાના મૌલવી સાહેબે સૂતરનો હાર તથા થેલી અર્પણ કરવા તેમના પ્રતિનિધિ ડાભેલના માજી પટે અબ્દુલ હઇ સાહેબને મોકલ્યા હતા. તેમણે મૌલવી સાહેબનો સંદેશો કહયો, ‘ખુદા પર યકીન રાખજો, તે આપને ફતેહ અપાવશે’. જવાબમાં ગાંધીજીએ હસતાં-હસતાં કહયું ખુદાને ભરોસે તો નીકળ્યો છું. નહીંતો મારો ભાંગીને ભુક્કો થઇ જાત. યાત્રાનું છેલ્લું નગર નવસારી રેલવે સ્ટેશન પણ છે. રેલવેના પાટાનો પૂર્વ ભાગ નવસારી (ગાયકવાડી) અને પશચિમનો ભાગ જલાલપુરનો (બ્રીટીશ હુકુમતનો). દાંડી ગામ જલાલપોર તાલુકામાં આવેલું છે.



નવસારી પારસીઓની નગરી ગણાય છે. દાદાભાઇ નવરોજીની જન્મભૂમિ. ગાયકવાડી રાજમાં વડોદરા પછી નવસારી બીજા નંબરે આવે. યાત્રા ધામણથી રવાના થઇ મોડી સાંજે નવસારી આવી પહોîચી. નવસારીના ઇતિહાસમાં અભૂતપૂર્વ ગણાય એટલી જનમેદની હતી. શહેરના મધ્યમાં એક મોટું તળાવ (દૂધિયા તળાવ) આવેલું છે. તે તદ્દન સૂકું હતું. એટલે સભા ત્યાં યોજવામાં આવી હતી. તા.૪થી એપ્રિલે વિજલપુર. વિજલપુર અને જલાલપુર બ્રિટીશ તાબાના ગામ ગણાય. એની પશચિમે આવેલા ગામે મીઠાના સત્યાગ્રહ વિસ્તારના ગામો ગણાય. આ કાંઠા વિસ્તાર સત્યાગ્રહની વ્રજભૂમિ ગણાય. વિજલપુરથી વિદાય થતાં ગાંધીજીએ કહયું, આ સભા પછી જે ધામે મારે પહોંચવાનું છે, ત્યાં પહોંચું તે પહેલાં હવે મારે બે જ ભાષણ કરવાના રહયાં. એક અહીં અને બીજું કરાડીમાં. દાંડીમાં ભાષણ કરીશ તો તે ત્રીજું હશે. કરાડી રાત્રિ મુકામ વિજલપુરની સભા સમાપ્ત કરી નમતે પહોરે યાત્રા કરાડી આવવા રવાના થઇ.



માર્ગમાં એરૂ ચાર રસ્તા, પેથાણ, કોથમડીના ગામલોકોએ યાત્રીઓનું સ્વાગત કરી ધન્યતા અનુભવી. રાત્રે સ્વાગતમાં છ થી સાત હજાર માણસોની હાજરી હતી. પમી એપ્રિલે બ્રાહ્મણ મૂહુર્તમાં પ્રાર્થના કરી ૬-૩૦ વાગે યાત્રાધામ દાંડી પ્રતિ પ્રયાણ આદર્યુ. રસ્તે આવતા સામાપુર ગામ લોકએ પણ ઉત્સાહપૂર્વક બાપુને વધાવ્યા. દાંડીના દરિયાની ઠંડી લહેરો આવી રહી હતી અને જોતજોતામાં દાંડીના ઝાડવાં દેખાયાં. ગાંધીજી પોતે માનેલા હરદ્વારમાં ૨૪ દિવસની દડમજલ કરીને ૨૪૧ માઇલનો પંથ કાપીને સવારે ૮-૦૦ વાગે આવી પહોંચ્યા. દાંડીમાં ગાંધીજીના મુસ્લિમ યજમાન સિરાજુદ્દીન વાસી શેઠના સૈફીવિલા બંગલામાં ગાંધીજીનો ઉતારો રાખવામાં આવ્યો હતો અને સૈનિકોનો ઉતારો ડાહયાભાઇ કુંવરજીભાઇ દેસાઇના મકાનમાં. સિરાજુદ્દીન શેઠ તા.૫મીએ તેઓ ખાદી પહેરીને ગાંધીજીનો સત્કાર કરવા ખાંજણનો કાદવ ખૂંદીને સામા આવ્યા હતા.



ગાંધીજીએ તેમણે હસીને કહયું, તમે બંગલો આપ્યો અને વળી સામે લેવા આવ્યા છો, પણ મને સંઘરીને તમે કોઇવખત બંગલો ખોઇ બેસવાના છો. તેના જવાબમાં તે ખોવાની મારી તૈયારી છે, એમ ઉત્સાહપૂર્વક વાસી શેઠે જણાવ્યું. જે દિવસની ગુજરાત, ભારતવર્ષ અને આખું જગત અનિમેષ નયને વાટ જાઇ રહયા હતા તે છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ના દિવસે બ્રાહમણ મુહૂર્તમાં સાડાત્રણ વાગે ગાંધીજી અને તેના સત્યાગ્રહી સૈનિકો જાગૃત થઇ ગયા. ખરું કહીએ તો તા.પમીની આખી રાત, બે અક્ષરના નાનકડા ૪૬૦ માણસની વસતિવાળા દાંડી ગામે અને ૧૦ થી ૧ર હજાર યાત્રીઓએ જાગરણ જ કર્યુ. જગતના પવિત્રમાં પવિત્ર પુરુષના હાથે જે યજ્ઞ પ્રગટાવવાનો હતો તેની તૈયારીમાં બધા પડ્યા હતા. સવારમાં ૪-૦૦ વાગે પ્રાર્થનાથી પરવારીને બરાબર ૬-૦૦ વાગે ગાંધીજી અને સૈનિકો, હજ્જારો યાત્રીઓ સામે સમુદ્ર સ્નાન માટે પહોંચી ગયા.



કોઇએ પૂછયું, બાપુજી તમે પણ સમુદ્ર સ્નાન કરશો કે? તરત જ જવાબ મળ્યો. જરૂર, જે ધર્મયુદ્ધનો આરંભ કરવો છે, તે કાર્ય તો સ્નાન કરીને પવિત્ર બન્યા પછી જ કરાય. ઍમ કહીને પોતાનો કચ્છ ઉતારી નાંખ્યો. અને કોઇ અવધૂતની પેઠે લંગોટીભેર સમુદ્રમાં દોટ મૂકી. તે સાથે હજ્જારો માણસો પણ સમુદ્રસ્નાન કરીને પવિત્ર થયા. સમુદ્ર સ્નાનથી પરવારીને ગાંધીજી પોતાની સેના અને લોકસમુદાય સાથે લગભગ ઍક માઇલ ખાંજણ અને ખાડાઅોમાં દરિયાનું પાણી ભરાઇને સૂકાઇ જવાથી થયેલું મીઠું શોધવા અનેક લોકો સાથે ઉપડ્યા. કેટલાકે તો ઘૂંટણભર કાદવ પણ ખૂંદયો હતો. ગાંધીજી વાસી શેઠના બંગલા નજીક જ થોભ્યા. ઍમની પાછળ કુમારી મીઠુબેન પીટી અને કલ્યાણજીભાઇ ઊભા હતા. સરકારી માણસોની ટૂકડીએ દિવસો સુધી કુદરતી મીઠાની બક્ષીસને બગાડી નાંખવા પાવડીઓથી રગદોળીને માટીમાં ભેળવી દેવાના સતત પ્રયત્નો કરવામાં કશી કચાશ રાખી ન હતી.



તે છતાં રત્નાકરે એ પવિત્ર પુરૂષ જ્યાં ઊભા હતા ત્યાં એમના ચરણકમળ આગળ જ ચકચકતા મીઠાની અંજલિ ધરી દીધી. જેમ યજ્ઞમાંથી પ્રસાદનો કળશ પ્રગટે તેમ યજ્ઞપ્રસાદની ગાંધીજીએ બરાબર ૬-૩૦ કલાકે ચપટી ભરી અને હજ્જારો લોકોના ગગનભેદી નાદ ગાજી ઉઠ્યા, ‘નમક કા કાયદા તોડ દિયા...’એ ચપટી ભરતાં યજ્ઞ પુરુષે ધીર ગંભીર વાણી ઉચ્ચારી કે, બ્રિટીશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું. અને જે ઇમારતને લૂણો લાગે તે થોડા જ સમયમાં કકડભૂસ કરતી તૂટી પડે છે એ કોણ નથી જાણતું? ૧૯૩૦ના ઍપ્રિલની ૬ઠ્ઠી તારીખના પ્રભાતની એ વાણી સાચી ભવિષ્યવાણી નીવડેલી. જગતે ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખે જાઇ છે. જેમ કૃષ્ણ ભગવાન ‘માખણચોર’ કહેવાયા તેમ ૬ઠ્ઠી ઍપ્રિલ પછી મોહન ગાંધી ‘મીઠા ચોર’ કહેવાયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application