તા.૨૫ જાન્યુઆરી તાજેતરમાં જાન્યુઆરી ૨૦૨૪નાં પ્રથમ સપ્તાહમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.દ્વારા આયોજિત સમગ્ર ગુજરાત કક્ષાની ઈન્ટરસર્કલ/પાવરસ્ટેશન સંગીત અને એકાંકી નાટ્ય સ્પર્ધા જામનગર ખાતે યોજાઇ હતી. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં વિવિધ સર્કલ અને કોર્પોરેટ ઓફિસની ટીમોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી કુલ ૧૭ ઇનામો પ્રાપ્ત કરી જ્વલંત સિદ્ધિ હાંસિલ કરી છે. ગુજરાત કક્ષાની બૃહદ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ સિદ્ધિઓ મેળવેલ કલાકાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે તા.૨૩-૦૧-૨૦૨૪નાં રોજ જીવનભારતી રંગભવન, નાનપુરા, સુરત ખાતે ડીજીવીસીએલ દ્વારા “વીનર શો”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, વિજેતા નાટકો અને સંગીતની કૃતિઓની રજૂઆત સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કલાકારોનાં પરિવારો તથા અન્ય ઉપસ્થિત મહેમાનો અને કલાચાહક કર્મચારીવૃંદ સમક્ષ કરવામાં આવી હતી.
એકાંકી નાટ્યસ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી ભાગ લેનાર ૧૯ એન્ટ્રીઓમાંથી પ્રથમ ત્રણેય ક્રમાંકના વિજેતા ઈનામો ડી.જી.વી.સી.એલ.ની ટીમોએ પ્રાપ્ત કર્યા હતા. ડૉ.સ્વાતિબેન નાયક લિખિત કોર્પોરેટ ઓફિસ, સુરતના નાટક “પડઘાનાં પ્રતિબિંબ”ને શ્રેષ્ઠ નાટકનું પ્રથમ, આ નાટકના દિગ્દર્શકને શ્રેષ્ઠ દિગ્દર્શકનું ઉપરાંત શ્રેષ્ઠ અભિનેત્રીનાં પ્રથમ અને દ્વિતીય ઈનામો અનુક્રમે માલતીબેન શાહ અને પારૂલબેન દલાલને તથા સ્ટેજ સજાવટનું ઈનામ મહેશ મહિસુરીને મળ્યું હતું. ડો. સ્વાતિબેન નાયક લિખિત સુરત રૂરલ સર્કલની ટીમના નાટક “પ્રિય ઝાકળ... લિ. આદિત્ય” ને શ્રેષ્ઠ નાટકનું દ્વિતીય, આ નાટકની અભિનેત્રી શ્રીમતી પ્રિયંકાબેન મૈસૂરિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનું તૃતીય, શ્રી ચિરાગ મોદીને શ્રેષ્ઠ સંગીત સંચાલન અને ડો. સ્વાતિબેન નાયકને શ્રેષ્ઠ સ્ક્રીપ્ટનાં ઈનામો પ્રાપ્ત થયા હતા.
સુરત સીટી સર્કલની ટીમના પ્રો. જ્યોતિ વૈદ્ય લિખિત નાટક “બંધ દરવાજા”ને શ્રેષ્ઠ નાટકનું તૃતીય ઈનામ સહિત નાટ્યસ્પર્ધામાં ડીજીવીસીએલને કુલ દસ (૧૦) ઈનામો પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત, સંગીતસ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં કુલ સાત (૭) ઈનામો ડીજીવીસીએલની ટીમોએ પ્રાપ્ત કર્યા હતા. જેમાં હળવું કંઠ્ય સ્પર્ધામાં નિતાબેન પટેલને તૃતીય, લોકગીત સ્પર્ધામાં રંજનબેન લીંબચીયાને દ્વિતીય, વાદ્યસંગીતની સ્પર્ધામાં કુ.હેતલ ચુડાસમાને પ્રથમ, ધર્મેશ પટેલને તૃતીય તથા ભજન અને ગઝલ સ્પર્ધામાં અનુક્રમે મહેશભાઇ મહિસુરી અને ઉમેશ નાયકને આશ્વાસન ઈનામો મળ્યા હતા. સમૂહગીત સ્પર્ધામાં સુરત રૂરલ સર્કલની ટીમને “સુરતનો એવો વરસાદ” ગીત માટે તૃતીય ઈનામ પ્રાપ્ત થયું હતું.
કાર્યક્રમના અંતમાં ડીજીવીસીએલનાં મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ એમના ઉદબોધનમાં કલાનું જીવન માટે મહત્વ સમજાવતા કહ્યું હતું કે, પ્રત્યેક કળા એ આપણાં આત્માને સ્પર્શ કરતી હોય છે. કલાકાર સંગીત ગાતી વખતે કે એક્ટિંગ કરતી વખતે તેમાં તન્મય થઈને ખોવાઈ જતો હોય છે. સ્થળ કે સમય ને પણ ભૂલી જતો હોય છે. આ એક અલગ અને અદભૂત અનુભવ હોય છે. એમને એક અંગ્રેજી ફિલ્મ “ડેડ પોએટ્સ સોસાયટી”નો ડાયલોગ ટાંકતા કહ્યું કે ‘આપણે કવિતા એટલા માટે નથી વાંચતાં કે લખતાં કે એ સુંદર છે, પરંતુ એટલા માટે વાંચીએ કે લખીએ છીએ કે આપણે માણસ છીએ. જીવનમાં રોજિંદી બાબતો, વ્યવસાય વગેરે જરૂરી હોય છે, પરંતુ સંગીત, કળા, પ્રેમ, કાવ્ય એ એવી બાબતો છે કે જેના માટે આપણે જીવીએ છીએ. અંતમાં, એમણે ખાસ ઉલ્લેખ કર્યો કે આ પ્રકારનાં સાંસ્કૃતિક કાર્યક્રમો અવારનવાર યોજાતાં રહેવાં જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500