Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાવાઝોડું ‘મિચોંગ’ આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના, મુખ્યમંત્રીએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો

  • December 05, 2023 

ચક્રવાત ‘મિચોંગ’ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરકાવ થયુ હતું અને રસ્તા પરના વાહનો તરતા જોવા મળ્યો હતા. આજે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને બપોર સુધીમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે ત્યારે દરિયાકાંઠાના પાંચ રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાત મિચોંગ આજે આધપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે ત્યારે પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.



ચેન્નઈમાં ભારે વરસાદને કારણે 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ચેન્નઈમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોતના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ગંભીર ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા માટે ચેતવણી જાહેર કરી છે.



મુશળધાર વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટના રનવે અને સબવે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ફ્લાઈટને અસર થઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડી પણ ચક્રવાતને લઈને સતત બેઠકો કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કાર્ય માટે તમામ જરૂરી પગલાં લીધા છે. ચક્રવાતના કારણે અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 24 કલાક સંકલન અને પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમની સાથે મેડિકલ કેમ્પ પણ ગોઠવી દેવામાં આવ્યા છે.



આ ઉપરાંત NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 18 ટીમો તૈનાત કરી છે અને 10 વધારાની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ચક્રવાતને કારણે તબાહીના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત મિચોંગ તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળશે અને તે સમયે 100 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application