Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિચૌંગ વાવાઝોડાએ આંધ્ર પ્રદેશને પણ ઘમરોળ્યું : અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત

  • December 06, 2023 

તામિલનાડુમાં ભારે નુકસાન કર્યા બાદ મિચૌંગ વાવાઝોડાએ આંધ્ર પ્રદેશને પણ ઘમરોળ્યું હતું. આંધ્ર પ્રદેશના સમુદ્રી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેને કારણે અનેક વૃક્ષો, મકાનો નાશ પામ્યા હતા. જ્યારે મિચૌંગ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૧૨ લોકો માર્યા ગયા છે. બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા વાવાઝોડાએ અગાઉ તામિલનાડુમાં પણ ભારે અસર પહોંચાડી હતી.


વાવાઝોડુ હાલ આંધ્ર પ્રદેશ બાદ ઓડિશા અને તેલંગણા તરફ ફંટાવાની શક્યતાઓ છે જેને પગલે આ બન્ને રાજ્યોને પણ એલર્ટ કરી દેવાયા છે. આંધ્ર ઉપરાંત ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડયો હતો. વાવાઝોડાની સૌથી વધુ અસર ચેન્નાઇમાં પણ જોવા મળી રહી છે. ચેન્નાઇ તેમજ તામિલનાડુના અનેક વિસ્તારોમાં વિજળી ગૂલ રહી હતી, જ્યારે મોબાઇલ સેવા પણ ઠપ થઇ ગઇ હતી. 


દરમિયાન આંધ્ર પ્રદેશમાં જ્યારે વાવાઝોડુ પ્રવેશ્યું હતું ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક ૧૦૦ કિમીની હતી. વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ પડયો હતો.કમોસમી વરસાદને કારણે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં કૃષિ ક્ષેત્રે પણ ભારે નુકસાન થયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં જે ૧૨ લોકો માર્યા ગયા છે તેમાંથી સાતના મોત ચેન્નાઇમાં થયા છે. તામિલનાડુમાં આશરે નવ જિલ્લાઓ વાવાઝોડાની અસર જોવા મળી, જેથી હજારો લોકોને રેસ્ક્યૂ કરાયા છે.



હાલમાં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગણામાં એનડીઆરએફની ૨૯ ટીમોને તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડુ આંધ્રના સમુદ્રી વિસ્તારોમાં ભારે અસર પહોંચાડીને બાદમાં ઓડિશા અને તમિલનાડુ તરફ આગળ વધ્યું હતું. જોકે તામિલનાડુ જેટલી અસર અન્ય રાજ્યોમાં નહોતી જોવા મળી. તેમ છતા પ્રશાસન એલર્ટ પર રખાયું છે. સમુદ્રી કાંઠા વાળા વિસ્તારોમાંથી લોકોને હાલમાં સુરક્ષીત સ્થળે ખસેડી દેવાયા છે.


તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું હતું કે પ્રભાવિત નવ જિલ્લામાં ૬૧ હજારથી વધુ રાહત કેમ્પો તૈયાર કરાયા છે. આશરે ૧૧ લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે. જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. રાહત કાર્યો માટે સરકાર દ્વારા તાત્કાલિક ૨૨ કરોડ રૂપિયાનું ફંડ રિલિઝ કરવામાં આવ્યું હતું. બન્ને રાજ્યોની અનેક શાળા-કોલેજો બંધ રખાઇ છે. તેલંગણામાં જે પણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે ત્યાંના કલેક્ટરોને એલર્ટ કરાયા છે. આગામી ૨૪ કલાકમાં તેલંગણામાં વાવાઝોડાને કારણે અતી ભારે વરસાદની આગાહી છે, જેની અસર મંગળવારથી જ શરૂ થઇ ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News