ગુજરાતમાં લેન્ડફોલ થયાના બીજા દિવસે ‘બિપોરજોય’ વાવાઝોડું શુક્રવારે રાજસ્થાનમાં ત્રાટક્યું હતું. વાવાઝોડાંની અસર હેઠળ રાજસ્થાન અને નવી દિલ્હીમાં ભારે વરસાદ પડયો હતો. ‘બિપોરજોય’ વાવાઝોડાંના કારણે રાજસ્થાનનાં જાલોર અને બારમેર જિલ્લાનાં અનેક ભાગોમાં ૬૦થી ૭૦ મીમી વરસાદ પડયો હતો.
વધુમાં હવામાન વિભાગે બંને જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરી હતી. શુક્રવારે જેસલમેર, બારમેર, જાલોર અને જોધપુરમાં પ્રતિ કલાક ૬૦થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. જોકે, શનિવારે વાવાઝોડું નબળું પડશે અને જોધપુર, જેસલમેર, પાલી અને સિરોહી તરફ ફંટાશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. વાવાઝોડાંની તિવ્રતાને જોતાં રાજ્યમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની આઠ કંપનીઓ તૈનાત રખાઈ હતી.
દરમિયાન દિલ્હીમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળી હતી. અહીં વાવાઝોડાંની અસર હેઠળ પ્રી-મોન્સુન વરસાદ પડયો હતો. વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. દિલ્હીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રી સે. જ્યારે મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. રાજધાનીમાં ભેજનું પ્રમાણ ૮૭ અને ૪૨ ટકા વચ્ચે રહ્યું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500