અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલને સાઇબર માફિયાઓએ 21 લાખનો ચૂનો લગાવી લીધો છે. આઇસીઆઇસીઆઇ બેંકના કસ્ટમર કેરમાંથી બોલુ છુ કહી સરકારી વકીલને લીંક મોકલી હતી. જેને ખોલીને માહિતી ભરાવી હતી. જેમાં પાન નંબર, ડેબીટ કાર્ડ સહિતની વિગત ભર્યા બાદ ટૂકડે ટૂકડે 20,96,017 લાખ ઉપડી ગયા હતા. જેથી કાયદાના જાણકાર સરકારી વકીલે ગાંધીનગર સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં સાઇબર માફિયાઓ સામે ગુનો નોંધાવ્યો હતો.
હવે તો કાયદાના જાણકાર અને સરકારી વકીલને પણ છેતરી નાખ્યા છે. મળતી માહિતી મુજબ અરવિંદકુમાર શાંતિલાલ નાયક (રહે, ઝુંડાલ, ગાંધીનગર)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત 2 ઓક્ટોબર 23ના રોઝ સાંજના 5 વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ ઉપર એક ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ હુ આઇસીઆઇસીઆઇ બેંકના કસ્ટમર કેરમાંથી બોલુ છુ કહી તમારા એકાઉન્ટનુ કેવાયસી કરાવવાનુ જણાવ્યુ હતુ. જેથી એક લીંક મોકલી હતી અને તે લીંક ઓપન કરી માહિતી ભરવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ એક ફાઇલ મોકલી હતી. જે ડાઉનલોડ કરી તેમાં પાન નંબર, બેંક ખાતુ અને ડેબીટ કાર્ડની વિગત ભરી હતી.
સાઇબર માફિયાઓને આપેલી લીંકમાં માહિતી ભર્યા પછી બીજા દિવસે રૂપિયા કપાઇ ગયાના મેસેજ આવ્યા હતા. જેની માહિતી માટે બેંકમાં જતા અલગ અલગ સમયે અલગ અલગ રકમ ડેબીટ થઇ ગઇ હતી. સાઇબર ગઠિયાઓએ સરકારી વકીલની ફીક્સ ડીપોઝીટ પણ તોડી નાખી હતી અને કુલ 20,96,017 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. જેને લઇ ગાંધીનગર સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500