નિઝર તાલુકાના વેલદા ગામે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ અને કોરોનાની ગાઈડ લાઈનના સરેઆમ ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા જેને લઈને તાપી જિલ્લાનું તંત્ર ફરી ઉઘતું ઝડપાયું તો બીજી તરફ નિઝર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરી લગ્નના આયોજકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નિઝર તાલુકાના વેલદા ગામમાં જોગાભાઈ પાડવીની પુત્રીનું લગ્ન હતું. અને એ લગ્નમાં બેન્ડ પાર્ટી હોવાથી લોકોની ભીડ ઉમટી પડી હતી. જોત જોતામાં લોકોના ટોળે ટોળા બેન્ડના તાલે ઝૂમી ઊઠ્યા હતા. આ બેન્ડનાં તાલે ઝૂમી રહેલા લોકોનો એક વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના સંદર્ભે પોલીસે આયોજક જોગાભાઇ પાડવી અને બેન્ડ પાર્ટીના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર ની હદને અડીને આવેલા નિઝર તાલુકાના વેલદા ગામે ગત 24મી માર્ચના રોજ લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી નાચગાન નો વિડીયો વાયરલ થયો છે જેમાં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડતા દ્રશ્યો ફરી સામે આવતા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. હાલ જે રીતે કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે સરકારની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે અને કોરોના ને નાથવા માટે તમામ પગલાં લઈ રહી છે ત્યારે તાપી જિલ્લામાં ફરી લગ્ન પ્રસંગમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થવાના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ જ્યાં લગ્ન પ્રસંગ હતો ત્યાંથી માત્ર 15 કિમિ દૂર મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર આવેલી છે અને હાલ જે રીતે મહારાષ્ટ્રમાં કોરોના નો વિસ્ફોટ થયો હોય તેમ હજારોની સંખ્યામાં કોરોનાના કેસો આવી રહ્યાં છે ત્યારે આ લગ્ન પ્રસંગ પછી તાપી જિલ્લામાં પણ કોરોનાના કેસ નો વિસ્ફોટ થાય તો નવાઈ નહિ.
હાલ તો તાપી જિલ્લા પોલીસ દ્વારા લગ્નના આયોજક અને બેન્ડ પાર્ટીના 2 માલિકો સહિત 3 વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ ચોકકસ કહી શકાય કે તાપી જિલ્લાનું વહીવટીતંત્ર સહિત પોલીસ વિભાગ ઉઘતું ઝડપાયું છે તો બીજી તરફ પોલીસે બેન્ડ પાર્ટી ના સાધનો કબજે કરી જિલ્લા પોલીસ વડાએ નિઝર પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને બીટ જમાદાર ને સસ્પેન્ડ કરી સંતોષ માન્યો છે. ત્યારે સરકાર દ્વારા માત્ર પોલીસ કર્મીઓ ને જ દંડવામાં આવતા હોય અને બીજા જવાબદાર સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી ન કરાતા લોકોમાં સરકારની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહયા છે. ત્યારે પોલીસતંત્ર દ્વારા આ બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ કરાયેલી દંડનીય કામગીરી પરત લઈ તેઓને ફરજ પર ફરી મુકાય તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.અહી ઉલ્લેખનીય છે કે, ગત દિવાસોમાં મહાનગરપાલિકા,નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉમેદવારોએ જીતવા માટે મોટી સંખ્યામાં જનમેદની ભેગી કરી હતી અને જીત્યા બાદ વિજય રેલી કાઢી કોરોનાને આમંત્રણ આપ્યું હોવા છતાં કોરોના આવ્યો નહીં !
અગાઉ માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈમાં ભીડ થઇ હતી
સોનગઢના ડોસવાડા ગામે માજી મંત્રીની પૌત્રી ની સગાઈ પ્રસંગે મોટી ભીડ ભેગી કરવા મામલે માજી મંત્રી કાંતિભાઈ ગામીત સહિત કુલ 19 જેટલા જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અગાઉ વ્યારાનાં કપુરા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ભીડ થઇ હતી
અગાઉ વ્યારાનાં કપુરા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ડી.જે. ઉપર ઝૂમતા ટોળા દ્વારા ગાઈડલાઈનનો ભંગ થવાની ઘટના સામે આવી હતી જેમાં કસુરવારો સામે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500