અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ PMJAY કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. તેમજ આ કેસમાં તપાસને વધુ વ્યાપક બનાવવામાં આવી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હવે શહેરની 145 હોસ્પિટલોમાં પીએમજેવાય યોજના હેઠળ કરવામાં આવેલી સારવારના રેકોર્ડની તલસ્પર્શી તપાસ કરશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતી હોસ્પિટલના મૃત્યુ કેસની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાના પર્દાફાશ માટે અન્ય હોસ્પિટલોની તપાસ પણ જરૂરી બની છે. જેના આધારે સમજી શકાશે આ સમગ્ર કૌભાંડ કેવી રીતે ચાલતું હતું . હાલમાં દરરોજ છ હોસ્પિટલના અધિકારીઓને પીએમજેવાય યોજના હેઠળ કરવામાં આવેલી સારવારના રેકોર્ડ સાથે બોલાવવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ ખ્યાતી હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 3,800 થી વધુ સર્જરીઓ હાથ ધરી છે. તેમજ ખ્યાતી હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ દર્શાવે છે કે વર્ષ 2021-2022માં કોઈ નફો કે નુકસાન થયું નથી. જે આંકડાઓ ખોટા હોવાની શંકા ઉભી કરે છે. વર્ષ 2022-23માં હોસ્પિટલે ખોટ દર્શાવી હતી. 2023-24માં, 1,500 સર્જરીઓ હાથ ધરવા છતાં હોસ્પિટલે ફરીથી રૂપિયા 1.5 કરોડનું નુકસાન દર્શાવ્યું હતું.આ તમામ વ્યવહારો હાલ શંકાના દાયરામાં છે. તેમજ ઓડિટ રિપોર્ટ બાદ આગામી દિવસોમાં ખ્યાતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ખ્યાતી હોસ્પિટલ માલિક કાર્તિક પટેલને પકડવા માટે કાર્યવાહી : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ખ્યાતી હોસ્પિટલ માલિક કાર્તિક પટેલને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. જે હાલમાં દુબઈમાં હોવાનું માનવામાં આવે છે. તેમને દુબઈથી ભારત લાવવા માટે કાયદાકીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવ પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી : ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ હ્રદય રોગની સારવાર બાદ બે દર્દીઓના મૃત્યુ બાદ ચર્ચામાં આવી હતી.
જેમાં ખ્યાતી હોસ્પિટલે ગ્રામીણ વિસ્તારમાં તબીબી શિબિર યોજી હતી અને બાદમાં હૃદયની સમસ્યાઓ ધરાવતા 19 વ્યક્તિઓને શહેરની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં નવ પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી જેમાંથી બે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 10 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના નવ અધિકારીઓને પૂછપરછ : ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના નવ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમજ હજુ તેમની તપાસ ચાલી રહી છે. તેમાંથી કેટલાકને ખ્યાતી હોસ્પિટલ તરફથી આર્થિક લાભ મળતો હોવાની શંકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500