ગ્રીસમાં મંગળવારે મોડી રાત્રે બે ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 36 લોકોનાં મોત થયા હતા, જ્યારે 90થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગ્રીસમાં વર્ષો બાદ થયેલા ભીષણ અકસ્માતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. થિસલીના ગવર્નરે અકસ્માત વિશે જાણકારી આપતા જણાવ્યું કે, થિસાલોનિકીના ઉત્તરી શહેર એથેન્સથી પ્રવાસ કરી રહેલી એક ઈન્ટરસિટી પેસેન્જર ટ્રેન મધ્ય ગ્રીસનાં લારિસા શહેરમાં એક માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. ઉત્તરી ગ્રીસમાં યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સહિત લગભગ 400 જેટલા પ્રવાસીઓને લઈ જઈ રહેલી પેસેન્જર ટ્રેનની ટક્કર માલગાડી સાથે થઈ હતી.
આ ટ્રેન અકસ્માત બાદ ટ્રેનનાં અનેક ડબ્બાઓમાં આગ લાગી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા અનેક પ્રવાસીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. આ સાથે જ લગભગ 250થી વધુ પ્રવાસીઓને બસોમાં થેસાલોનિકી પહોચાડવામાં આવ્યા હતાં. થિસલીના ગવર્નરના જણાવ્યા અનુસાર, બંને ટ્રેન ટોપ સ્પીડમાં એક જ ટ્રેક પર ચાલી રહી હતી. ટ્રેનના ડ્રાઈવરો આ વાતથી અજાણ હતા કે, તેઓ એક જ ટ્રેક પર ચાલી રહ્યા છે. આ ભયંકર અકસ્માતમાં હેમખેમ જીવતા નીકળેલા એક પ્રવાસીએ જણાવ્યું કે, તે ટ્રેનની બારીને સૂટકેસથી તોડીને બહાર નીકળ્યો હતો.
તેણે વધુમાં જણાવ્યું કે, આ અકસ્માત બાદ પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના સ્થળ પર અકસ્માતના અનેક કલાકો બાદ પણ રાહત અને બચાવની કામગીરી સદંતર ચાલુ હતી. ગ્રીસ સરકારના મંત્રીએ ટ્રેન અકસ્માત પર દુ:ખ વ્યકત કરતા જણાવ્યું કે, તેઓ અકસ્માતમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિજનો માટે દિલગીર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રીસના વડાપ્રધાન કારિયોકોસ મિત્સોતાકિસ ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. તેમણે અધિકારીઓને અકસ્માતનો વિસ્તૃત રિપોર્ટ બનાવવાની સૂચના આપી છે. ટ્રેનમાં સવાર અન્ય યાત્રીએ આ અકસ્માતની સરખામણી ભૂકંપ સાથે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500