Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી

  • May 05, 2022 

સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં દોષિત ફેનીલને આજે કોર્ટ સજા સંભળાવાઈ છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે.નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે. ચાર્જશીટના 70 દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે. ન્યાય મળતા જ ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા હતા, આખરે તેમની દીકરીને ન્યાય મળ્યો હતો. ગ્રીષ્માના પિતાએ ચુકાદા બાદ કહ્યુ કે, આ ચુકાદાથી હુ ખુશ છું. મારી દીકરીને ન્યાય મળ્યો છે. મને પોલીસ અને સરકારે બહુ જ સહકાર આપ્યો, તેનાથી અમને સંતોષ છે.


મળતી માહિતી અનુસાર આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. નામદાર જજે શ્લોકથી શરૂઆત કરી હતી. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરીને જજે કહ્યું કે, દંડ આપવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. 28 વર્ષમાં આવો પહેલો કેસ છે. સાથે જ નામદાર કોર્ટે નિર્ભયા કેસ અને કસાબ કેસનો પણ ઉલ્લેખ કરીને કેટલી નિર્દયી રીતે હત્યા કરાઈ હતી તે વાત કરી હતી. સાથે જ હત્યા સમયના વીડિયોને અત્યંત મહત્વનો પુરાવો ગણાવ્યો હતો.


મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જે મામલે ફેનિલ દોષિત જાહેર થયો છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે, હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે,આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.  


ગ્રીષ્માં હત્યા કેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, 355 પાનાની ચાર્જફ્રેમ રજૂ કરવામાં આવ્યા છે. 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરાયા છે. ગ્રીષ્માના પિતા પિતા નંદલાલ વેંકરીયા અને પરિવાજનોએ આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આમને ન્યાય તંત્ર પર પૂરો વિશ્વાસ છે. હત્યારાને ફાંસીની સજા થવી એ જ અમારી પહેલાથી જ માંગ રહી છે. અને પોલીસ તેમજ પ્રશાસને અમને ખુજબ સાથ સહકાર આપ્યો છે. 


---------------000000000-----------



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application