સુરતના રીંગરોડ હરિઓમ માર્કેટમાં દુપટ્ટાનો વેપાર કરતા અડાજણના વેપારી સહિત 10 વેપારીઓ પાસેથી દુપટ્ટાનો માલ ખરીદી હરિઓમ માર્કેટમાં જ દુકાન ધરાવતું દંપતી રૂ.95.47 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ જતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ એલ.પી.સવાણી રોડ ઋતુરાજ રો હાઉસ ઘર નં.બી/3 માં રહેતા 29 વર્ષીય મનીષભાઈ રમેશભાઈ રાઇસીંધાની પિતા સાથે રીંગરોડ હરિઓમ માર્કેટમાં આર.કે.ટેક્ષટાઈલના નામે દુપટ્ટાનો વેપાર કરે છે.હરિઓમ માર્કેટમાં જ ક્રિષ્ના કલેક્શનના નામે દુપટ્ટાનો વેપાર કરતા મફતલાલ સમર્થરામજી પુરોહીત ગત જૂન 2023 માં તેમની દુકાને આવ્યા હતા અને સમયસર પેમેન્ટની વાત કરી વેપાર શરૂ કર્યો હતો.
મનીષભાઈએ તેમને 8 જૂનથી 16 સપ્ટેમ્બર 2023 દરમિયાન કુલ રૂ.17,19,778 નો માલ મોકલ્યો હતો.તે પૈકી મફતલાલ પુરોહીતે રૂ.6,42,866 નું પેમેન્ટ ચૂકવી રૂ.10,76,912 નું પેમેન્ટ બાકી રાખ્યું હતું.બાકી પેમેન્ટ માટે વાયદા કરી મફતલાલ પુરોહીત ગત 28 સપ્ટેમ્બર 2023 ના રોજ અચાનક દુકાન બંધ કરી અને બે દિવસ બાદ મોબાઈલ ફોન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો.
મનીષભાઈએ માર્કેટમાં તપાસ કરાવતા જાણ થઈ હતી કે મફતલાલ પુરોહીતે તેમની જેમ દુપટ્ટાના બીજા નવ વેપારીઓ પાસેથી પણ પોતાના અને પત્ની સૌરમદેવીની માલિકીના આપેશ્વર દુપટ્ટા હાઉસના નામે માલ મંગાવી બાકી પેમેન્ટ રૂ.84,69,619 ચુકવ્યું નથી.10 વેપારીઓ સાથે કુલ રૂ.95,46,531 ની ઠગાઈ કરનાર પુરોહીત દંપતી વિરુદ્ધ છેવટે મનીષભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી.કે.મેરએ વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500