ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે સોમવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે પાંચ વાગે મતદાન પુર્ણ થયા બાદ તમામ વિસ્તારમાંથી ઇવીએમને સીલ કરીને સુરક્ષીત રીતે ગાંધીનગરની સે-15 ખાતે આવેલી સરકારી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. સાંજે શરૂ થયેલી ઇવીએમનાં રીસીવીંગની કામગીરી પરોઢિયા સુધી ચાલી હતી. ત્યારે હવે ગુરુવારે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પાંચેય વિધાનસભા બેઠકની ગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકમાં સોમવારે મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ ઇવીએમ મશીન સહિત વીવીપેટ મસીન તથા તમામ સ્ટેશનરી અને સામગ્રી પોલીંગ સ્ટાફ દ્વારા ચૂંટણી તંત્રને જમા કરાવવામાં આવી હતી.
જયારે સાંજે પાંચ વાગે મતદાન પુર્ણ થયા બાદ આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સેક્ટર-15ની સરકારી કોલેજમાં કે જ્યાં મતગણતરી રાખવામાં આવી છે ત્યાં જ સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે અને ત્યાં જ રીસીવીંગ સેન્ટર ઉભા કરાયા હતા. અહીં જિલ્લાના 1353 મથકમાંથી પોલીંગ સ્ટાફ રાતથી આવવાના શરૂ થયા હતા તેમના ઇવીએમ સહિતની તમામ સામગ્રી સ્વિકારવાની કામગીરી સવાર સુધી ચાલી રહી ત્યારે ચૂસ્ત પોલીસ અને સીઆરપીએફ જવાનોના બંદોબસ્ત વચ્ચે આ ઇવીએમ મશીન સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.
ત્યારે તેનું સીસીટીવી દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. તા.8મી ડિસેમ્બરે ગુરુવારે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. સૌથી પહેલાં બેલેટ ગણવામાં આવશે અને ત્યારબાદ ઇવીએમ મશીના મતની ગણતરી કરવામાં આવશે. આ માટે વિધાનસભા દીઠ અલગ અલગ રૂમ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેમાં દહેગામની ગણતરી કોમર્સ કોલેજના રૂમનં.સી6માં જ્યારે ગાંધીનગર દક્ષિણની રૃમ નં.સી-4માં, માણસાની રૃમ નં.18માં ગણતરી કરાશે. કલોલની ગણતરી રૂમ નં.8માં તો ગાંધીનગર ઉત્તર બેઠકની ગણતરી સરકારી આર્ટ્સ કોલેજના વિવેકાનંદ હોલમાં કરવામાં આવશે. ગણતરી માટે 14 ટેબલ અને એક બેલેટ માટેનું ટેબલ ગોઠવી દેવામાં આવ્યા છે જ્યારે સ્ટાફનું પણ રેન્ડમાઇઝેશન છેલ્લી ઘડીએ કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500