Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરીનું ચીફ ઓફિસર દ્વારા થઈ રહેલુ સતત મોનિટરિંગ

  • July 13, 2022 

નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારના અસરગ્રસ્ત લોકોના જાનમાલને થતુ નુકસાન અટકાવવા આગમચેતીના ભાગરૂપે રાજપીપલા નગરપાલિકાના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં નજીકના નિયત આશ્રય સ્થાનોમાં અંદાજે ૮૯૭૫ લોકોના કરાયેલાં હંગામી અને સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્ત પરિવારો તેમના મૂળ રહેઠાણના નિવાસ સ્થાનોએ પરત ફરતા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુલ ૩૪ જેટલી સર્વેક્ષણ ટીમોએ આજથી યુદ્ધના ધોરણે જરૂરી સર્વેની કામગીરીનો પ્રારંભ કર્યો છે.




અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રસાશન દ્વારા દેડીયાપાડા માટે ૧૦ ટીમ, સાગબારા માટે ૦૭ ટીમો, નાંદોદ માટે ૦૩ ટીમ, ગરૂડેશ્વર માટે ૦૮ ટીમ, તિલકવાડા માટે ૦૬ અને રાજપીપલા નગરપાલિકા વિસ્તાર માટે ૦૪ ટીમ સહિત કુલ ૩૪ જેટલી ટીમ દ્વારા જિલ્લામાં થયેલા ભારેથી અતિભારે વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારના પરિવારોના કુટુંબની સંખ્યા, ઘરવખરીને નુકસાન, નાશ પામેલ અંશત: તથા સંપૂર્ણ નાશ પામેલ ઝુંપડા-મકાનની વિગતો સહિતની બાબતો આ સર્વેક્ષણમાં આવરી લેવાયેલ છે. અને તે મુજબ ઉક્ત ટુકડીઓ જિલ્લાના જે તે સંબંધિત વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારીઓની આગેવાનીમાં સર્વેની કામગીરી કરી રહ્યાં છે.




આ સર્વે બાદ તુરંત જ સંબંધિત અસરગ્રસ્તોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ મુજબ ઘરખકરી સહાય, કપડા સહાય અને અંશત: કે સંપૂર્ણ પણે નાશ પામેલ ઝુંપડા-મકાન અંગેની જરૂરી સહાય ચૂકવવાની કામગીરી પણ બનતી ત્વરાએ હાથ ધરીને જે તે અસરગ્રસ્ત લાભાર્થીઓને ચૂકવવાપાત્ર થતી સહાયની રકમનો લાભ અપાશે.




રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં આજે નગરપાલિકા અને નાંદોદ મામલતદાર કચેરીની સંયુક્ત સર્વે ટુકડીઓએ સંતોષ ચોકડી પાસે સૂર્યા પ્લાઝા કોમ્પલેક્ષ પાસેના ખાડા ફળિયા અને તેની આસપાસનો વિસ્તાર, માઈકલ પુલની નીચેના ભાગે નરસિંહ ટેકરી તેમજ સીંધીવાડ પાછળ કાલિકા માતા મંદિર નજીકના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાની સીધી દોરવણી હેઠળ આજે સવારથી જ સર્વેની જરૂરી કામગીરી હાથ ધરીને મોડી સાંજ સુધી પૂર્ણ કરવામાં આવી છે.




રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, રાજપીપલા શહેરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોના પરિવારોને થયેલા નુકસાન સંદર્ભે તાત્કાલિક સરકારી ધારાધોરણ મુજબની સહાય પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ નાંદોદ મામલતદાર અને રાજપીપલા નગરપાલિકાની સંયુક્ત સર્વે ટીમો દ્વારા આજે સવારથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.




જેનો સર્વે હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે અને મોડી સાંજ સુધીમાં પુર્ણ થવાની શક્યતા છે. ત્યારે સર્વેક્ષણના આધારે જે તે કુટુંબોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધારાધોરણ મુજબની આર્થિક સહાય ટૂંક સમયમાં જ પૂરી પાડવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.




સર્વેની કામગીરી કરી રહેલા રાજપીપલા નગરપાલિકાના ઇજનેરએ  જણાવ્યું હતું કે, હાલ અતિવૃષ્ટિના કારણે રાજપીપલા નગરપાલિકામાં અતિભારે વરસાદના લીધે થયેલા નુકસાનીના આજના આ સર્વે દરમિયાન અસરગ્રસ્ત પરિવારોના કેટલાંક ઘરોના પાયા ધોવાઈ ગયેલ છે, અમુક ઘરોની દિવાલ પડી ગયેલ છે, અમુક લોકોની ઘરવખરી પણ તણાઈ ગયેલ છે તે બધુ નુકસાન નોંધવાની સર્વેની કામગીરી હાલ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application