Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણીનાં કેસમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને તારીખ 2જી ઓગસ્ટ સુધી રાહત

  • June 14, 2023 

બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કરેલી એક ટિપ્પણીનાં સંદર્ભમાં થયેલા બદનક્ષી કેસમાં અદાલતમાં રૂબરૂ હાજર રહેવામાંથી અપાયેલી કામચલાઉ રાહત બીજી ઓગસ્ટ સુધી લંબાવી આપી છે. રાહુલે વર્ષ-૨૦૧૮ની સાલમાં વડાપ્રધાન મોદી માટે કથિત રીતે આ ટિપ્પણી કરી હતી. પોતે ભાજપનો એક કાર્યકર હોવાનો દાવો કરતા અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, રાહુલે રાફેલ સોદાના સંદર્ભમાં કમાન્ડર ઈન થીફ એવો ઉલ્લેખ કર્યો હતો. રાહુલની આ ટિપ્પણી બદનક્ષીસમાન છે. એક સ્થાનિક અદાલતે ૨૦૨૧માં રાહુલને આ અરજી સંદર્ભમાં સમન્સ જારી કર્યા હતા. રાહુલે આ સમન્સને પડકારતી અરજી કરતાં ફરિયાદીએ સમયની માગણી કરી હતી. તે સંદર્ભમાં જસ્ટીસ એસ. વી. કોટવાલની બેન્ચે રાહુલ ગાંધીએ કરેલી અરજી પરની સુનાવણી મુલત્વી રાખી હતી.


જસ્ટીસ કોટવાલે કહ્યું હતું કે, અગાઉ અપાયેલી વચગાળાની રાહત બીજી ઓગસ્ટ સુધી લંબાવી આપવામાં આવે છે. મહેશ શ્રીશ્રીમલ નામના અરજદાર દ્વારા કરાયેલા દાવા સંદર્ભમાં અગાઉ એક સ્થાનિક અદાલતે નવેમ્બર-૨૦૨૧માં રાહુલને કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ રાહુલે આ કોર્ટ દ્વારા જારી કરાયેલાં સમન્સને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યું હતું. હાઈકોર્ટે નવેમ્બર ૨૦૨૧માં  મેજિસ્ટ્રેટને આ કેસમાં સુનાવણી મુલત્વી રાખવા જણાવ્યું હતું. તેના લીધે રાહુલને મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થવાની જરૂર રહી ન હતી. ત્યારથી રાહુલની અરજી સમયાંતરે મુલત્વી થતી રહી છે અને તેમને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવામાંથી મળેલી રાહત લંબાવાતી રહી છે.  મેજિસ્ટ્રેટ દ્વારા રાહુલ સામે ઓગસ્ટ ૨૦૧૯માં જ ફોજદારી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.


જોકે, રાહુલે હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી પોતાની પિટિશનમાં એવી દલીલ કરી હતી કે પોતાને આવી કોઈ કાર્યવાહી શરૂ થયાની જાણ જુલાઈ ૨૦૨૧માં જ થઈ હતી. ફરિયાદીનાં આક્ષેપ અનુસાર રાહુલે રાજસ્થાનમાં સપ્ટેમ્બર-૨૦૧૮માં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદી સામે બદનક્ષીકારક વિધાનો કર્યાં હતાં. તે પછી તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ પીએમ મોદી માટે કમાન્ડર ઈન થીફ એવો ઉલ્લેખ કર્યો હતો. ફરિયાદીના આરોપ અનુસાર રાહુલ ગાંધી સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બદનક્ષીકારક વિધાનો કરતા રહ્યા છે અને કમાન્ડર ઈન થીફ એવી તેમની ટિપ્પણી સીધી રીતે ભાજપનાં તમામ સભ્યો તથા પીએમ મોદી સાથે સંકળાયેલા તમામ નાગરિકો પર આળ મૂકે છે.


રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, અરજદારનો દાવો તેમના છૂપા રાજકીય એજન્ડાને આગળ વધારવાના એકમાત્ર હેતુથી થતા તુચ્છ અને બિનઆવશ્યક કાનૂની દાવાનું એક કલાસિક ઉદાહરણ છે. રાહુલની અરજીમાં જણાવાયું હતું કે બદનક્ષીનો દાવો જેમની બદનક્ષી થઈ હોય તે વ્યક્તિ જ વ્યક્તિગત રીતે કરી શકે અને તે જોતાં આ અરજદાર આ દાવા માટે પક્ષકાર તરીકેની કોઈ કાનૂની ભૂમિકા ધરાવતા નથી. રાહુલે  મેજિસ્ટ્રેટ સમક્ષ હાથ ધરાયેલી સમગ્ર કાર્યવાહી જ રદ કરી દેવા માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલને આ અગાઉ સુરતમાં મોદી અટક અંગેની તેમની એક ટિપ્પણીના સંદર્ભમાં થયેલા કાનૂની દાવામાં સુરતની સ્થાનિક અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવી ચૂક્યા છે. અદાલતે તેમને બે વર્ષની કેદની સજા પણ સંભળાવી હતી અને આ સજાને કારણે તેમનું સંસદસભ્ય પદ છિનવાઈ ગયું છે. જોકે, રાહુલે આ સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application